જિલ્લાના પેન્શનરો માટે રાહતના સમાચાર; હવે ઘરેબેઠા જ વિનામૂલ્યે બની શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર
જિલ્લાના પેન્શનરો માટે રાહતના સમાચાર; હવે ઘરેબેઠા જ વિનામૂલ્યે બની શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર
November 03, 2026 06:15 PM
જિલ્લાના પેન્શનરો માટે રાહતના સમાચાર; હવે ઘરેબેઠા જ વિનામૂલ્યે બની શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા MoUથી પેન્શનધારકોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મળશે
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર એટલે કે હયાતીનું વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.
ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા સમજૂતી કરાર અંતર્ગત રાજ્યના પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા નજીકના ડાકઘરોમાં અથવા તેમના ઘરેબેઠા તદ્દન મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સમગ્ર સેવાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે, જેથી તમામ પેન્શનરોને આ સુવિધાનો વિનામૂલ્યે લાભ મળશે.
આ મહત્વપૂર્ણ સેવા નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેનાથી ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને કચેરીઓ સુધી જવાની મુશ્કેલી, મુસાફરી અને સમયના વ્યયમાંથી કાયમી મુક્તિ મળશે. આ સુવિધાનો લાભ મેળવવા માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર તથા પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર આપવાનો રહેશે.
ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પેન્શનરોને માત્ર થોડી જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર જનરેટ કરી આપવામાં આવશે. પ્રમાણપત્ર જનરેશનની પ્રક્રિયા પૂરી થતાં જ પેન્શનરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 'પ્રમાણ ID' SMS દ્વારા મોકલી આપવામાં આવશે. પેન્શનરો આ પ્રમાણપત્ર જીવન પ્રમાણની અધિકૃત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે, તેમજ તેની ડિજિટલ નકલ સંબંધિત પેન્શન ઓફિસ સુધી સીધી જ પહોંચાડી દેવામાં આવશે.
સરકારના આ પ્રજાભિમુખ નિર્ણયના કારણે ગુજરાત રાજ્યના ૫ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો સીધો લાભ મળશે. સાથોસાથ ગુજરાતના એવા પેન્શનરો જેઓ હાલ અન્ય રાજ્યોમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, તેઓ પણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા સ્થાનિક પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સેવાનો લાભ મેળવી શકશે.