BREAKING NEWS

રાજુલામાં વન વિભાગમાં દોડધામ, બીમાર સિંહે ફોરેસ્ટર-ટ્રેકર પર કર્યો હુમલો, રેસ્ક્યૂ દરમિયાન બની ઘટના

  • September 27, 2026 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી બારપટોળી ગામના વાડી વિસ્તારમાં એક બીમાર સિંહના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સિંહે અચાનક વન વિભાગની ટીમ પર હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગદીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સ્થાનિક વન વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક ધોરણે સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર, ઇજાગ્રસ્ત થયેલા ટ્રેકર ભરત જોગદીયાની તબિયત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવારાર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ સિંહની માંદગીને ધ્યાને રાખીને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આક્રમક બનેલા સિંહે અચાનક છલાંગ લગાવીને કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો, જેનાથી રેસ્ક્યૂ ટીમ પણ અચાનક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ (DCF) ચિરાગ અમીન અને એસીએફ (ACF) રાજન જાદવ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ સિંહને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં આખી રાત એક વિશાળ મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. વનકર્મીઓએ ટોર્ચ અને સર્ચ લાઈટની મદદથી સિંહની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ભારે જહેમત બાદ પણ સિંહ પકડાઈ શક્યો ન હતો.


સિંહ પકડાયા વગર અંધારામાં નાસી છૂટતાં અથવા આસપાસના જંગલ કે વાડી વિસ્તારમાં છુપાયેલો હોવાથી રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. નવી બારપટોળી અને આસપાસની વાડીઓમાં રહેતા ખેડૂતો તથા પશુપાલકોમાં પોતાના જીવનું જોખમ ઊભું થવાની ચિંતા સતાવી રહી છે. વન વિભાગ દ્વારા લોકોને રાત્રે બહાર ન નીકળવાની અને સાવચેતી રાખવાની ખાસ અપીલ કરવામાં આવી છે, જ્યારે સિંહને ઝડપવા માટેની સઘન તજવીજ હજુ પણ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application