શહેરના અંબાજી કડવા પ્લોટમાં રહેતા યુવાન સાથે લગ્નની નામે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નાગપુર યુવતી સાથે સમજૂતી કરાર કર્યા બાદ તેના માસીને રૂ.૩ લાખ અને યુવતીને ચાંદીના સાંકળા તથા સોનાનો દાણો આપ્યો હતો. લગ્નના ૨૫ દિવસ બાદ દાદી અને બહેન બીમાર હોવાનું કહી યુવતી ગયા બાદ પરત ફરી ન હતી.
શહેરના અંબાજી કડવા પ્લોટમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુન મુકેશભાઈ મહેતા (ઉ.વ.35) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં રહેતા પ્રવિણાબેન ભીખુભાઈ પરમાર ભાવનગરમાં આનંદનગર કોલોનીમાં રહેતા કમલેશ મનસુખભાઈ ભટ્ટી, નાગપુરમાં રહેતી મંગલા દત્તાત્રેય હિરણખેડે અને મહારાષ્ટ્રમાં રહેતી નેહા વામજાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઘરે બેઠા આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે યુવકના પિતા વર્ષ 2020 માં અવસાન પામ્યા છે માતા રીનાબેન ઘર કામ કરે છે યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા ઉંમરલાયક હોય જેથી કામ કરવામાં તકલીફ પડતી હોય જેથી પોતાના લગ્ન માટે સગા સંબંધીઓને વાત કરી હતી. દરમિયાન યુવાનના સગા બહેનના મામાજી હર્ષદભાઈ ગાંધીએ તેને કનુભાઈનો મોબાઇલ નંબર આપી કહ્યું હતું કે, આ કનુભાઈ તમને સારી છોકરી શોધી આપશે. બાદમાં કનુભાઈએ થોડા દિવસ બાદ પ્રવિણાબેનનો સંપર્ક યુવાન તથા તેની બહેનને કરાવ્યો હતો અને કહ્યું હતું કે, પ્રવિણાબેન પણ તમને લગ્ન કરવા માટે છોકરી શોધી આપશે. પ્રવિણાબેને અલગ અલગ છોકરીઓના ફોટા અને વિગતો મોકલી હતી જેમાંથી યુવકને મંગલા (રહે નાગપુર) નો ફોટો ગમી જતા તા. ૩/૦૨/૨૦૨૬ ના પ્રવિણાબેનનો યુવકની બહેન મેઘના પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમને મંગલા ગમે છે તો આ મંગલા અને તેના ઘરના સભ્યો ભાવનગર ખાતે આવ્યા છે અને તમારે છોકરીને જોવી હોય તો ત્યાં લેતા આવીએ જેથી હા કહેતા પ્રવિણાબેન તથા મંગલા કમલેશભાઈ ભટ્ટી અને મંગલાના માસી નેહાબેન વામજા યુવકના ઘરે આવ્યા હતા અને લગ્ન બાબતે વાત થઈ હતી.
મંગલાએ કહ્યું હતું કે કમલેશ ભટ્ટીને હું પપ્પા માનું છું અને આ કમલેશભાઈએ યુવાનને કહ્યું હતું કે, મંગલાને માતા-પિતા નથી અને તે માસી નેહાબેન વામજા સાથે બચપણથી રહે છે તમે જ્યારે લગ્ન કરો ત્યારે મંગલાના માસીને રૂપિયા ત્રણ લાખ આપવાના રહેશે અને ત્યારબાદ આ મંગલાના ઘરના સભ્યોએ કહ્યું હતું કે, મારે મંગલા સાથે લગ્ન કરવા છે.
બાદમાં ગઇ તા. ૫/૨/૨૦૨૬ ના રોજ રાજકોટમાં મોચી બજાર જૂની કલેકટર કચેરી પાસે લગ્ન નોંધણી વિભાગ ખાતે ગયા હતા જ્યાં વકીલે કહ્યું હતું કે ડોક્યુમેન્ટ અધુરા છે જેથી જેથી હું લગ્ન સમજુતી કરાર કરાવી દઈશ. બાદમાં સમજૂતી કરાર કર્યો હતો જેમાં ઉલ્લેખ કરેલ કે લગ્ન કરવાના ડોક્યુમેન્ટ એક માસમાં પૂરા કરી દેઇશું અને કમલેશ ભટ્ટી તથા પ્રવિણાબેન મારો સંબંધ કરાવી આપ્યો છે તે બાબતે તેઓને વળતર મળી ગયેલ છે તેવો ઉલ્લેખ કર્યો છે. સમજૂતી કરાર થઈ જતા તે જ સમયે યુવાને પ્રવિણાબેન તથા કમલેશ ભટ્ટીને રોકડ રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા બાદમાં મંગલા યુવાનની બહેન મેઘના સહિતનાઓ ઘરે આવી ગયા હતા.
બારેક દિવસ બાદ મંગલાએ કહ્યું હતું કે, હું મારા ઘરે જઈ મમ્મી પપ્પાનો મરણનો દાખલો તથા બીજા ડોક્યુમેન્ટ લેતી આવું એટલે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ જેથી યુવાને હા કહી હતી અને તે ઘરે જતી રહી હતી. બાદમાં પંદર દિવસ પછી મંગલા પરત આવી હતી અને તે કોઈ ડોક્યુમેન્ટ લાવી ન હતી આ બાબતે પૂછતા મંગલાએ કોઈ સરખો જવાબ આપ્યો નહીં ત્યારબાદ મંગલાએ આશરે 25 દિવસ ઘરે રોકાઈ હતી અને બાદમાં કહ્યું હતું કે, મારા દાદી તથા બહેન બીમાર છે મારે ઘરે જવું પડશે અને ગઈ તા. 6-5-2026 ના મગલા નાગપુર જતી રહી હતી ત્યારબાદ મંગલાનો ફોન બંધ આવતો હોય યુવાને શંકા જતા કબાટમાં જોતા તેના પ્રથમ લગ્નના છૂટાછેડા થયેલ હોય જેના કાગળ તથા મંગલાના સાથેના સમજૂતી કરારના કાગળો જોવા મળેલ નહીં
આમ આ શખસોએ મળી લગ્ન કરાવી દેવાનો વાયદો આપી રૂપિયા ત્રણ લાખ પડાવી સમજુતી કરાર વખતે સોનાનો દાણો ચાંદીના સાંકળા આપ્યા હોય બાદમાં મંગલાએ ઘરે થોડા દિવસ રહેવાનું નાટક કરી વતનમાં જવાનું કહી કબાટમાંથી ડોક્યુમેન્ટ લઈ જઈ છેતરપિંડી આચરી હોય જે અંગે યુવાને આ ફરિયાદ નોંધાવી છે.