રાજકોટ શહેરમાં આત્મહત્યાના વધતા બનાવો ખુબ ચિંતાનો વિષય બન્યા છે, સરેરાશ દૈનિક બે થી વધુ સ્યુસાઇડની ઘટના પોલીસ મથકમાં નોંધાઈ રહી છે. આ વચ્ચે વધુ એક યુવતીએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે, રેલનગરમાં રહેતી અને બાલાજી વેફર્સમાં કામ કરતી યુવતીએ આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે પ્ર.નગર પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરના સંતોષીનગરમાં રહેતી ચેતલ સોંડાભાઈ બાંભવા (ઉ.વ.22)ની યુવતી આજે સવારે ઘરે પોતાના રૂમમાં હતી ત્યારે પંખામાં દુપટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો, મોટો ભાઈ જોઈ જતા બુમાબુમ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આપઘાત કરનાર યુવતી ત્રણ બેન બે ભાઇમાં વચેટ હતી. અને બાલાજી વેફર્સમાં કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.