દેશ-વિદેશમાં નીમ કરોલી બાબાના લાખો ભક્તો છે. નીમ કરોલી બાબાની જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' બનાવવામાં આવી છે. આજે આ ફિલ્મના ડાયરેક્ટર અને રાઈટર વિશાલ ચતુર્વેદી અને લીડ રોલ કરતા શોભિનવ સત્ય આજકાલની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. તેઓએ આજકાલના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી સાથે હનુમાન અંશ ફિલ્મ વિશે ચર્ચા કરી હતી.
ફિલ્મના ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, હનુમાન અંશ ફિલ્મ ઉત્તરપ્રદેશમાં જન્મેલા અને મહાન સંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે. આ અઠવાડિયે શુક્રવારે રાજકોટમાં ફિલ્મ સિને પોલીસ અને રાજેશ્રી ટોકિઝમાં રિલીઝ થવા જઈ રહી છે. હનુમાન અંશ ફિલ્મ નીમ કરોલી બાબાના બાળપણથી શરૂ થાય છે. નીમ કરોલી બાબા 13 વર્ષની ઉમંરે ઘર છોડીને સૌપ્રથમ રાજકોટ આવ્યા હતા અને વૈષ્ણવ આશ્રમમાં બે-ત્રણ મહિના રોકાયા હતા. ફિલ્મમાં 10 મિનિટનો સીન રાજકોટના આશ્રમમાં રોકાયા તેનો બતાવવામાં આવ્યો છે. બાદમાં મોરબીના વાવણીયા ગામમાં આવેલા તળાવમાં બેસીને આઠ વર્ષ સુધી ઘોર તપસ્યા કરી હતી. આથી નીમ કરોલી બાબા તલૈયા બાબા તરીકે પ્રસિદ્ધ થયા હતા.
વિશાલ ચતુર્વેદીએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબીના વાવણીયા ગામ છોડી બાબા ઉત્તરપ્રદેશના નીબ કરોલી ગામમાં વસવા લાગ્યા. અંગ્રેજોએ અડધા કરોડની આ ગામની બોલી લગાવી હતી એટલે ગામનું નામ નીબ કરોલી પડ્યું હતું. બાદમાં નીમ કરોલી બાબાના નામ પરથી ગામનું નામ નીમ કરોલી પડ્યું. હનુમાન અંશ ફિલ્મ વિશે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી અને રામભદ્રાચાર્યજીએ પ્રશંસા કરી છે.
હનુમાન અંશ ફિલ્મમાં દરેક કલાકાર નવા છે. કોઈ મોટા સ્ટુડિયોમાં ફિલ્મ શૂટ કરવામાં આવી નથી. કારણ કે, બોલીવુડવાળા મોટી ફિલ્મ બનાવવા દેતા નથી. 40 વર્ષ પછી બોલીવુડમાં સંત પર ફિલ્મ બની છે. ફિલ્મને નાના શહેરોમાં જગ્યા ન મળી. આ માટે ફિલ્મ સ્ટારકાસ્ટ ગુજરાતના અલગ અલગ શહેરોમાં જઈને શોધી હતી. મોટાભાગના કલાકારો ગુજરાતના છે. જેમાં રાજકોટના શૃંગાર રંગાણી પણ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત સ્ટારકાસ્ટમાં કેતન રસ્તે, ચંદન કે. આનંદ, કર્નલ બક્ષી, દેહાંત શેડગે, પૂર્ણિમા તિવારી, પદ્મશ્રી અનિલ રસ્તોગીનો સમાવેશ થાય છે. ફિલ્મનું શૂટિંગ ચિત્રકૂટના તુલસીઘાટ પર કરવામાં આવ્યું છે.
ગુજરાતના લોકો ભક્તમય, પ્રેમભાવ ચરમસીમાં પર
વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતી લોકો ખૂબ જ હેલ્પફૂલ છે. બધા લોકો ગિફ્ટ આપે છે. ખવડાવવા માને છે. અહીંયાના લોકોનો પ્રેમભાવ ચરમસીમાં પર છે. નીમ કરોલી બાબા પણ આ ભાવ ભક્તોને શીખવાડતા હતા. ગુજરાત ભક્તિમય રાજ્ય છે. પોતાના પણું હોય તેવો અનુભવ અમે ગુજરાતમાં કર્યો છે. આજે સવારે જ રાજકોટમાં ફાફડા, જલેબી અને ગાંઠિયાનો સ્વાદ માણ્યો જે અદભૂત હતો.
ફિલ્મમાં લીડ રોલ પાછળ રોચક કહાની
ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા શોભિનવ સત્યએ જણાવ્યું હતું કે, હું લખનઉનો રહેવાસી છું. હનુમાન અંશ ફિલ્મમાં મને લીડ રોલ મળવા પાછળ એક રોચક કહાની છે. સૌપ્રથમ તો હું આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. ફિલ્મ શૂટિંગના હજી બે કે ત્રણ દિવસ થયા અને લીડ રોલ કરનાર કલાકાર બીમાર પડ્યા. આથી તુલસીઘાટ પર અમારા ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદીએ મારો ચારથી પાંચ કલાક ટેસ્ટ લીધો જેમાં અલગ અલગ ડાયલોગો બોલાવ્યા અને બાદમાં મને લીડ રોલ આપવામાં આવ્યો. આવ્યું ક્યારેય બન્યું નથી કે, આસિસ્ટન્ટ ડાયરેક્ટરને લીડ રોલ આપવામાં આવ્યો હોય. આ બાબાની જ કૃપા છે. શૂટિંગ વખતે દરેક પળે મેં નીમ કરોલ બાબાનો અહેસાસ કર્યો છે. ફિલ્મના પૂરા શૂટિંગ દરમિયાન બાબા મારી સાથે હતા એટલે હું તેમના પાત્રનો અભિનય કરી શક્યો છું.
વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન અનેક અડચણો આવતી હતી. પણ અમે હનુમાન ચાલીસા બોલતા હતા અને જેવી હનુમાન ચાલીસા પૂરી થાય એટલે અડચણો દૂર થઈ જતી હતી. આથી ફિલ્મ બનાવતી વખતે અનેક ચમત્કારો અમારી સાથે થયા છે. ફિલ્મની ડેટ પોસ્ટપોન કરવાનું કારણ એ જ હતું કે, ત્યારે સ્પાઈડર મેન રિલીઝ થઈ હતી. આથી અમને શો મળતા નહોતા. આથી અમે એક અઠવાડિયું ડેટ લંબાવી. પછી બે મોટી બોલીવુડ ફિલ્મ આવી જેના શો બેગણા થઈ ગયા હતા. હાલ ગુજરાત સહિત દેશમાં ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. આવતા અઠવાડિયે પહેલા નેપાળ અને બાદમાં યુકે અને અમેરિકામાં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.
શુટિંગમાં કપિરાજ આવતા, સૌરાષ્ટ્રમાં હનુમાન ભક્તો બહુ જ
વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, હનુમાન અંશનું શૂટિંગ અમે તુલસીઘાટ પર શરૂ કરતા ત્યારે મોટી સંખ્યામાં કપિરાજ આવી જતા હતા. શૂટિંગ પૂરૂ થતા જ કપિરાજ જતા રહેતા હતા. આ દૃશ્ય જોઈ અમને લાગતું હતું કે, ખુદ હનુમાનજી જ આવતા હોય. ફિલ્મના પ્રોડ્યુસરોમાં હું, રાગીની સોના, નમ્રતાસિંગ અને અનુપ્રિયા નાગરનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં હનુમાન ભક્તો બહુ જ છે. કારણ કે, હનુમાન અંશ ફિલ્મ આખી હનુમાન ચાલીસા સાથે વણાયેલી છે. બધાએ ફિલ્મ જોવી જોઈએ. સુરત, અમદાવાદ અને વડોદરા ગયા પછી આજે રાજકોટ આવ્યા છીએ. રાજકોટ પછી અમે મોરબીના વાવણીયા ગામ જવાના છીએ જ્યાં બાબાએ આઠ વર્ષ સુધી તપસ્યા કરી હતી.