જસદણમાં આલ્ફા કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહી ધો. પાંચમાં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થિનીનું સ્મોલ પોક્સ બિમારી સબબ મૃત્યુના મામલે બેદરકારી દાખવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીઓની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, જસદણની ચિતલીયા કુવા રોડ પર આવેલી આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર (હોસ્ટેલ)માં રહેતી અને મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની વતની અને ધોરણ-૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની વિદ્યાર્થિની આયુષી રમેશભાઈ બલદાણીયાનું તાવ અને અછબડાની બીમારી બાદ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. જેથી બાળકીના પરીવારજનોએ સંચાલકો સામે આક્ષેપો કરતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી બાળકીના પિતાની ફરીયાદ ફરિયાદના આધારે આલ્ફા કોચિંગ સેન્ટરના સંચાલકો જયસુખભાઈ શંખારવા અને હિરેનભાઈ શંખારવા વિરુદ્ધ બેદરકારી સહીતનો ગુનો નોંધી બન્ને આરોપીઓની અટકયત કરી તેની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ બંને સ્કુલ સંચાલક બંધુએ રેગ્યુલર જામીન ઉપર છૂટવા કરેલી અરજી રાજકોટ સેશન્સ કોર્ટે નામંજૂર કરતા બંને આરોપીએ યુવા એડવોકેટ તુષાર ગોકાણી મારફત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે અરજી સુનાવણી અર્થે આવતા મુખ્ય એવી દલીલો કરાયેલ હતી કે, ફરીયાદી પોતે જ પોતાની ફરીયાદમાં જણાવે છે કે, તેમની દિકરીને ચિકનપોકસ (અછબડા) થતાં સંચાલકો દ્વારા પ્રાથમીક સારવાર સંચાલકોના સ્વખર્ચે જસદણ હોસ્પિટલ ખાતે અપાયેલ હતી, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની બાળકો માટેની શ્રેષ્ઠ હોસ્પિટલ અમૃતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતી, ત્યારબાદ રાજકોટની આધુનીક ટેકનોલોજીવાળી સીનર્જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતી. જયાંથી રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આરોપીઓ દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવેલ ન હતી. જેથી આરોપીઓને જામીન મુક્ત કરવા લંબાણપૂર્વક દલીલો કરાઇ હતી.
બન્ને પક્ષકારોની દલીલોના અંતે હાઈકોર્ટે આરોપીઓને જામીન આપતા ચુકાદામાં એવું નોંધ્યુ હતું કે, તબીબી વિજ્ઞાન મુજબ ચીકનપોકસ જેવી બીમારીમાં ઘણી વખત ન્યુમોનીયા, એન્સેફાલીટીસ, સેપ્સિસ તથા ડિહાઈડ્રેશન જેવી બીમારીઓ પણ થઈ શકે છે. જે બિન-તબીબી વ્યકિત આવી પરીસ્થીતીની કલ્પના કરી શકતો નથી, જે મુજબ સંચાલક આરોપીઓને આવા પરીણામની જાણ હોવી અશક્ય છે. આવા સંજોગોમાં અનિર્ણીત કેસ દરમ્યાન આરોપીઓને જેલમાં રાખી શકાય તે ન્યુયોચીત નથી તેવું ઠરાવી આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી આલ્ફા નવોદય હોસ્ટેલના સંચાલકોના જામીન ચાર્જશીટ પહેલા જ મંજુર કરેલ હતા.
આ અતિ ચકચારી પ્રકરણમાં હોસ્ટેલના સંચાલકો વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, નંદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હીરલ નિમાવત રોકાયા હતા.