આણંદના પૂર્વ અધિક કલેક્ટર (RAC) કેતકી વ્યાસ સામે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા દાખલ કરવામાં આવેલા રૂ. ૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતના ગંભીર કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. ACBની વિશેષ અદાલતે તેમની જામીન અરજી આકરા અવલોકનો સાથે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે આર્થિક અને ગેરકાયદે સંપત્તિના ગુનાઓ પ્રજાનો સરકારી તંત્ર પરનો વિશ્વાસ ડામાડોળ કરે છે અને તેની સમાજ પર અત્યંત વ્યાપક તથા નકારાત્મક અસર પડે છે.
જામીન નાંજૂર કરતાં કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર કેતકી વ્યાસ મહેસૂલી કાયદાથી સંપૂર્ણ માહિતગાર વર્ગ-૧ ના જવાબદાર અધિકારી હોવા છતાં લાંબા સમય સુધી ACBની તપાસથી ભાગતા રહ્યા હતા. તેમના આ પ્રકારના વર્તનને ધ્યાને લેતાં જો તેમને જામીન પર મુક્ત કરવામાં આવે તો ટ્રાયલ વખતે તેઓ ભાગી જાય તેવા જોખમને નકારી શકાય નહીં. આ ઉપરાંત તેમણે રજૂ કરેલા આવક અને રોકાણના દસ્તાવેજો પર ખુદ અરજદાર કે તેના C.A. ના કોઈ સહી-સિક્કા ન હોવાથી હાલના તબક્કે તેની અધિકૃતતા સ્વીકારી શકાય નહીં.
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે કેતકી વ્યાસ દ્વારા વિવિધ સ્થળોએ ખરીદવામાં આવેલી મિલકતો અને બેંક એકાઉન્ટ્સના શંકાસ્પદ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ માટે તેમની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત જરૂરી છે. અરજદાર સામે પ્રથમ દર્શનીય રીતે ગુનામાં સંડોવણી જણાતી હોવાથી અને CID ક્રાઈમ દ્વારા તપાસ અત્યારે નાજુક તબક્કે ચાલુ હોવાથી અદાલતે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમની ધરપકડ ટાળવા અગાઉ સેશન્સ અને હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીઓ પણ રદ થઈ ચૂકી છે.
જામીન અરજીમાં કેતકી વ્યાસે દલીલ કરી હતી કે તેઓ સંપૂર્ણ નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તેમની સામે ફરિયાદ નોંધવામાં તંત્રએ ૨ વર્ષ અને ૮ મહિના જેટલો મોટો વિલંબ કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમના પિતાની અલગ આવક છે અને પોલીસ કર્મચારી એવા તેમના પતિની રૂ. ૮૯ લાખની દસ્તાવેજી આવકને ગણતરીમાં લેવાઈ નથી. ACBએ દર્શાવેલી ૬૮.૮૪% અપ્રમાણસર મિલકતની ગણતરી કાલ્પનિક અને બજાર કિંમતના આધારે કરેલી ભુલભરેલી છે.
સામે પક્ષે સરકારી વકીલે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે આરોપી મહિલા સામે પોતાના તથા સગા-સંબંધીઓના નામે ગેરકાયદે મિલકતો વસાવવાનો ગંભીર ગુનો છે. તેઓ સતત તપાસ ટાળતા રહ્યા હોવાથી અને હજુ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવાનું બાકી હોવાથી સમાજ અને ન્યાયના હિતમાં જામીન અરજી ફગાવી દેવી યોગ્ય રહેશે. અદાલતે તમામ દલીલો ગ્રાહ્ય રાખીને અંતે જામીન અરજી ફગાવી દીધી હતી.