રાજકોટના હીરાસર ખાતે નિર્માણ પામેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી મુસાફરોને પાયાની સુવિધાઓ ન મળતા વિવાદ ઘેરો બન્યો છે. આ તમામ ગંભીર અનિયમિતતાઓ વચ્ચે અંતે એરપોર્ટના વિવાદાસ્પદ ડાયરેક્ટર દિગંત બોરાહની બદલી કરી દેવામાં આવી છે. એરપોર્ટ પરની કથળેલી વ્યવસ્થા અને સુવિધાઓના અભાવ અંગે સ્થાનિક સાંસદો અને જનપ્રતિનિધિઓ દ્વારા કેન્દ્રીય સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે આ આકરા પગલાં લેવામાં આવતા અંતે સાંસદોની રજૂઆત ફળી છે.
દિગંત બોરાહના કાર્યકાળમાં રાજકોટનું આ એરપોર્ટ કહેવા પૂરતું 'ઈન્ટરનેશનલ એરપોર્ટ' છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે માત્ર નામ પૂરતું જ રહી ગયું છે. એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ધોરણો તો દૂરની વાત છે, પણ સામાન્ય સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. વિમાનમથકનું સંચાલન સંભાળવામાં ડાયરેક્ટર દિગંત બોરાહની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે જ આ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે પણ પૂર્ણ કક્ષાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ બની શક્યું નથી. પરિણામે મુસાફરોને ભારે નિરાશા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરો એરપોર્ટ પર પડતી અગવડતા અંગે ફોન કરતા તો દિગંત બોરાહ ફોન પણ ઉપાડતા નહોતા.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આધુનિક યુગમાં પણ રાજકોટ એરપોર્ટ પર દિગંત બોરાહની નિષ્ક્રિયતાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી મુસાફરો માટે વાયફાયની સેવા જ ઉપલબ્ધ નથી. દેશ-વિદેશથી આવતા અને જતા મુસાફરો માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી અત્યંત જરૂરી હોય છે, પરંતુ ઈન્ટરનેટની કોઈ સુવિધા ન હોવાના કારણે લોકોને ઈ-ટિકિટ, બોર્ડિંગ પાસ કે અન્ય જરૂરી કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આધુનિક ટેકનોલોજીના જમાનામાં ઈન્ટરનેટ ન હોવું એ સંચાલકોની મોટી નિષ્ફળતા દર્શાવે છે.
એરપોર્ટની કથળેલી સ્થિતિ અંગે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્થાનિક બસ સ્ટેશનમાં જે પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અને બેસવા-ઉઠવાની વ્યવસ્થા મળે છે, તેવી સામાન્ય સુવિધા પણ રાજકોટના આ કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટ પર મળતી નથી. પીવાના પાણીથી માંડીને બેસવાની ક્ષમતા અને ડિજિટલ સુવિધાઓના મામલે એરપોર્ટ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે.
ડાયરેક્ટર દિગંત બોરાહની નબળી કામગીરી અને મુસાફરોની સતત થતી ઉપેક્ષા અંગે વધતા જતા જનરોષને ધ્યાનમાં રાખીને સાસંદોથી માંડી જનપ્રતિનિધિઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. આખરે તંત્ર દ્વારા તેમની ટ્રાન્સફરનો ઓર્ડર કરાતાં એરપોર્ટ પરિવાર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે નવા ડાયરેક્ટરના આગમન બાદ હીરાસર એરપોર્ટ પર સુવિધાઓ સુધરશે અને તેને સાચા અર્થમાં ‘ઈન્ટરનેશનલ’ કક્ષાનું બનાવવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.
પાણી ખૂટતા બોટલ લઈને મુસાફરોને શૌચાલય જવું પડ્યું હતું
એક વર્ષ પહેલા રાજકોટના હીરાસર એરપોર્ટ પર નવા ટર્મિનલમાં અરાઈવલ કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણી પડવા લાગ્યું હતું. અગાઉ પણ આ જ પ્રકારે કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણી ટપકતાં રિપેરિંગ કરાયું હતું. ટર્મિનલના પેસેન્જર ડ્રોપ અને પિકઅપ એરિયામાં જર્મન ડોમ સાથેની કેનોપી તૂટી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે નજીકની 15 ફૂટની દીવાલ અગાઉ વરસાદને પગલે ધરાશાયી થઇ હતી. હંગામી ટર્મિનલના પ્રારંભના પહેલાં જ દિવસે શૌચાલયમાં પાણી ખૂટી ગયું હોવાથી બોટલ લઈને શૌચાલયમાં જવું પડતું હતું. મોબાઈલ નેટવર્ક અને વાઈ-ફાઈની સુવિધા નહીં હોવા મુદ્દે યાત્રિકો અનેકવાર ફરિયાદો કરી ચૂક્યા છે.
એરપોર્ટ બન્યા પછી પહેલા જ વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી હતી
બીજી જુલાઈ 2024ના રોજ નવનિર્મિત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પહેલા જ વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી નાંખી હતી. હંગામી ધોરણે તૈયાર કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગ પાસેના પિકઅપ અને ડ્રોપ પોઇન્ટ પરનું ભારે વરસાદને કારણે જર્મન ડોમ તૂટી ગયો હતો. એક વર્ષ પણ પૂરું થયું નહોતું અને તે પહેલાં જ 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટ પર અસુવિધાઓની લીધે કારણે મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહની બેદરકારીને કારણે લોકો રાજકોટને બદલે અમદાવાદથી હવાઇ મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.