અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સ્ટોરમાં કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય કોઈ માનવીય મેનેજરે નહીં, પરંતુ એઆઈ મેનેજર ‘લુના’એ લીધો છે. અહેવાલ મુજબ આ દુનિયાનો પ્રથમ એવો કિસ્સો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં એઆઈ મેનેજરે કોઈ કર્મચારીને નોકરીમાંથી કાઢવાની ભલામણ કરી હોય.અહેવાલ અનુસાર સાન ફ્રાન્સિસ્કોમાં એક સ્ટોરનું સંચાલન અને કર્મચારીઓનું મેનેજમેન્ટ એઆઈ મેનેજર લુના કરી રહી છે. આ સ્ટોરમાં કામ કરતો એક કર્મચારી નિયમિત રીતે મોડો આવતો હતો. કર્મચારી પોતાની 23 શિફ્ટમાંથી 17 વખત મોડો કામ પર પહોંચ્યો હતો. શરૂઆતમાં લુનાએ કર્મચારીઓની હાજરીને ધ્યાનમાં રાખીને નિયમ બનાવ્યો હતો. પરંતુ બાદમાં કર્મચારી આ નિયમનો લાભ લેતો રહ્યો અને સમયસર કામ પર પહોંચતો ન હતો.કેટલાક મહિનાઓ સુધી કર્મચારીને મોડા આવવાનો ફાયદો મળતો રહ્યો. ત્યારબાદ એડન લેબ્સના કર્મચારીઓએ લુનાને કર્મચારી માટેના નિયમો શોધવા અને તેની હાજરીનો રેકોર્ડ તપાસવા કહ્યું. લુનાએ કર્મચારીના રેકોર્ડનું મૂલ્યાંકન કર્યું અને અંતે તેને નોકરીમાંથી દૂર કરવાની ભલામણ કરી.આ સમગ્ર મામલો એઆઈ ના વધતા ઉપયોગને કારણે ચર્ચામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે અહીં એઆઈ માત્ર કામકાજમાં મદદ કરતું સાધન નથી, પરંતુ કર્મચારીઓના મેનેજમેન્ટ અને શિસ્ત સંબંધિત નિર્ણયો લેવામાં પણ ભૂમિકા ભજવી રહ્યું છે.અહેવાલ મુજબ કંપનીએ લુનાને સ્ટોર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી સોંપી છે. કંપનીએ તેને શરૂઆતમાં આશરે 84 લાખ રૂપિયાની રકમ, એક કોર્પોરેટ કાર્ડ, ઇન્ટરનેટની સુવિધા અને ત્રણ વર્ષ માટે સ્ટોરની લીઝ આપી હતી. ત્યારબાદ લુનાને સ્ટોર ખોલીને તેનું સંચાલન કરવાની જવાબદારી આપવામાં આવી.લુના સ્ટોરમાં કઈ વસ્તુ વેચવી, તેની કિંમત કેટલી રાખવી, સ્ટોરનો સમય નક્કી કરવો અને કર્મચારીઓની ભરતી જેવા મહત્વના નિર્ણયો પણ લે છે. સ્ટોરમાં પુસ્તકો, મીણબત્તીઓ, કલાકૃતિઓ, ગેમ્સ સહિત અનેક વસ્તુઓ વેચવામાં આવે છે.જોકે, સ્ટોરનું વેચાણ થઈ રહ્યું હોવા છતાં હજુ સુધી તે નફામાં આવી શક્યો નથી. અહેવાલ મુજબ શરૂઆતમાં આપવામાં આવેલી 84 લાખ રૂપિયાની રકમ પાંચ મહિના બાદ ઘટીને લગભગ 51 લાખ રૂપિયા રહી ગઈ છે. આ કારણે એઆઈ દ્વારા સંચાલિત આ સ્ટોર કેટલો સફળ સાબિત થશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.આ કિસ્સો એ વાતનો સંકેત આપે છે કે ભવિષ્યમાં એઆઈ માત્ર ટેક્નિકલ કામ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ મેનેજમેન્ટ અને કર્મચારીઓ સંબંધિત નિર્ણયો લેવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application