શિયાળાની શરૂઆત સાથે, દેશના ઘણા શહેરોમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચવા લાગ્યું છે. આ સમસ્યામાં વધારો કરતા પરિબળોમાં હરિયાણા અને પંજાબમાં પરાળી સળગાવવા અને ફટાકડા ફોડવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. જેની હવાની ગુણવત્તા પર ખરાબ અસર જોવા મળી છે. પંજાબના ભટિંડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૦૧૮ નોંધાયો હતો. જે અત્યંત જોખમી શ્રેણીમાં આવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરે યથાવત છે. શહેરનો એકંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ 629 નોંધાયો હતો. જે ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીના અનેક મુખ્ય મોનિટરિંગ સ્ટેશનો પર પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી સ્થિતિએ પહોંચી ગયું છે.
દેશના સૌથી વધુ પ્રદૂષિત ૧૦ શહેરોની યાદીમાં પંજાબ અને હરિયાણાના શહેરોનું વર્ચસ્વ છે, જેમાં પ્રથમ પાંચ સ્થાનો પર આ જ રાજ્યોના શહેરો છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ અને મુરાદાબાદ પણ સૌથી વધુ પ્રદૂષિત ૧૦ શહેરોની યાદીમાં સામેલ છે.
સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા શહેરોમાં, હરિયાણાનું સિરસા ૮૪૮ એક્યુઆઈ સાથે બીજા ક્રમે છે, જ્યારે હરિયાણાનું જ રોહતક ૮૪૭ એક્યુઆઈ સાથે ત્રીજા ક્રમે છે. પંજાબનું ફરીદકોટ ૮૦૧ એક્યુઆઈ સાથે ચોથા સ્થાને છે, અને પંજાબનું જ જલંધર ૭૬૦ એક્યુઆઈ સાથે પાંચમા ક્રમે છે.
ટોચના ૧૦ શહેરોની યાદીમાં, ઉત્તર પ્રદેશનું મેરઠ ૬૭૮ એક્યુઆઈ સાથે છઠ્ઠા ક્રમે અને ઉત્તર પ્રદેશનું જ ગાઝિયાબાદ ૬૪૮ એક્યુઆઈ સાથે સાતમા ક્રમે છે. હરિયાણાનું સોનીપત ૫૮૫ એક્યુઆઈ સાથે આઠમા સ્થાને છે, ત્યારબાદ હરિયાણાનું જ હિસાર ૫૬૨ એક્યુઆઈ સાથે નવમા ક્રમે છે. ઉત્તર પ્રદેશનું મુરાદાબાદ ૫૪૫ એક્યુઆઈ સાથે ટોચના ૧૦ શહેરોની યાદી પૂર્ણ કરે છે. આ તમામ શહેરોમાં હવાની ગુણવત્તા 'જોખમી' શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
દેશના પાંચ રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સહિત કુલ ૩૭ શહેરોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ હતી. આમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું, જ્યાં ૧૬ શહેરોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે નોંધાઈ હતી. આ યાદીમાં હરિયાણાના ૧૧ અને પંજાબના ૮ શહેરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજસ્થાનના અલવર અને નવી દિલ્હીમાં પણ પ્રદૂષણનું સ્તર જોખમી હદે પહોંચી ગયું હતું. દિલ્હી-એનસીઆરમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે.