BREAKING NEWS

બોર્ડની પરીક્ષા માટે એક્શન પ્લાન: કુલ ૧૪૦ સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો સીલ, થ્રી-લેયર સુરક્ષા

  • February 24, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ-૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષાઓને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે અને પ્રશ્નપત્રો લીક થવાની કોઈ પણ શક્યતા ન રહે તે માટે રાજ્યભરમાં અત્યંત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રાજ્યભરમાં ૧૪૦ સ્ટ્રોંગરૂમ તૈયાર મળતી માહિતી મુજબ, શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ ૧૪૦ સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ૧૨ સ્ટ્રોંગરૂમ સહિત રાજ્યના તમામ નિર્ધારિત સ્થળોએ પ્રશ્નપત્રો સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં આવ્યા છે. પ્રશ્નપત્રો પહોંચ્યા બાદ તરત જ આ સ્ટ્રોંગરૂમોને અધિકારીઓની હાજરીમાં સીલ કરી દેવામાં આવ્યા છે. હવે પરીક્ષાના દિવસે જ નિયત સમયે આ પ્રશ્નપત્રો કેન્દ્રો ખાતે રવાના કરવામાં આવશે.

પ્રશ્નપત્રોના પરિવહન દરમિયાન પણ અભૂતપૂર્વ તકેદારી રાખવામાં આવી હતી. પ્રિન્ટિંગ પ્રેસથી સ્ટ્રોંગરૂમ સુધી પ્રશ્નપત્રો લઈ જનારા તમામ વાહનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ હતા. બોર્ડના કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું કે વાહનો નિર્ધારિત રૂટ પર જ ચાલે છે કે કેમ. આ ટેકનોલોજીના કારણે પ્રશ્નપત્રોની હેરફેર દરમિયાન કોઈ પણ ગેરરીતિની શક્યતા નહિવત બની છે.

સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે થ્રી-લેયર (ત્રિસ્તરીય) સુરક્ષા કવચ તૈનાત કરવામાં આવ્યું છે જેમાં પોલીસ બંદોબસ્ત ૨૪ કલાક સશસ્ત્ર પોલીસ જવાનોનો પહેરો ગોઠવવામાં આવ્યો છે. તમામ સ્ટ્રોંગરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેનું લાઈવ મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. જે-તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમયાંતરે સ્ટ્રોંગરૂમની ઓચિંતી મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે.

બોર્ડ દ્વારા પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ કેન્દ્રો પર પણ જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે જે રીતે ડિજિટલ અને ફિઝિકલ સુરક્ષાનો સમન્વય કરવામાં આવ્યો છે, તેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ અજમાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application