રાજકોટ શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણ સામે વહીવટી તંત્રે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી શીતલ પાર્ક ચોકડી નજીક સર્વે નંબર ૫૧૭ પૈકીની ટી.પી. સ્કીમ નં. ૯ હેઠળની આશરે ૧,૩૦૦ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરીને અંદાજે રૂ. ૪ કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ જમીન પર ગેરકાયદેસર રીતે ઢોરવાડો બનાવવામાં આવ્યો હતો તેમજ આશરે ૧૦ જેટલા ઝૂંપડા ઉભા કરીને દબાણ કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી થયેલા આ દબાણની જાણ વહીવટી તંત્રને થતાં સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરીને દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન અને પશ્ચિમ મામલતદાર પંડ્યાની દેખરેખ હેઠળ દબાણ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન ઢોરવાડા અને ઝૂંપડાઓ સહિતના તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા માટે જિલ્લામાં સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જાહેર હિતની જમીનોને સુરક્ષિત રાખવા અને ભવિષ્યમાં આવા દબાણો ન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી યથાવત રહેશે અને જરૂરી હોય ત્યાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application