વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે, ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર હરિયાળી જોવા મળી છે. બેંકિંગ, નાણાકીય અને એફએમસીજી ક્ષેત્રોમાં મજબૂત ખરીદીએ બજાર ખુલતાની સાથે જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
સેન્સેક્સ ૮૧૬ પોઈન્ટના મજબૂત વધારા સાથે 76,508ના સ્તર પર ટ્રેડ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૧૫ પોઈન્ટ વધીને 23,655ના સ્તરે પહોંચ્યો. શરૂઆતના કલાકોમાં બજારની પ્રવૃત્તિ મજબૂત રહી, જેમાં 1,601 શેરોમાં સુધારો અને 753 ઘટ્યા, જ્યારે 166 યથાવત રહ્યા હતા.
આજના શરૂઆતના સત્રમાં મોટાભાગના સેકટોરીયલ ઇન્ડેક્સ ગ્રીન ઝોન રહ્યા. નિફ્ટી સિમેન્ટ ઇન્ડેક્સ 1.71 ટકા વધીને ટોચ પર પહોંચ્યો, જે સિમેન્ટ ક્ષેત્રમાં વધારાને કારણે ટોચ પર રહ્યો. એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે ઇન્ડેક્સ 1.41ટકા વધીને 44,594.75 પર પહોંચ્યો. નિફ્ટી બેંક (+0.54ટકા), નિફ્ટી પ્રાઇવેટ બેંક (+0.67ટકા), નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ (+0.90ટકા), અને નિફ્ટી આઇટી (+0.90ટકા) પણ વધ્યા. બીજી તરફ, નફા-બુકિંગને કારણે નિફ્ટી ફાર્મા (-0.46ટકા) અને નિફ્ટી હેલ્થકેર (-0.45ટકા) માં થોડી નબળાઈ જોવા મળી.
નિફ્ટી 50 હેવીવેઇટ્સમાં બેંકિંગ અને ગ્રાહક શેરોમાં તેજી જોવા મળી. ઇન્ટરગ્લોબ એવિએશન 3.62ટકા વધીને રૂ.5,098.00 પર પહોંચ્યું. શ્રીરામ ફાઇનાન્સ (+2.07ટકા), ઇન્ફોસિસ (+2.06ટકા), એશિયન પેઇન્ટ્સ (+2.04ટકા), નેસ્લે ઇન્ડિયા (+1.80ટકા) અને એચડીએફસી બેંક (+1.67ટકા) માં મજબૂત ખરીદી જોવા મળી. બજાજ ફાઇનાન્સ (+૧.૧૩ટકા), ટાટા કન્ઝ્યુમર (+૧.૪૩ટકા) અને અલ્ટ્રાટેક સિમેન્ટ (+૧.૩૬ટકા) પણ મુખ્ય વધનારાઓમાં હતા. બીજી તરફ, ઓએનજીસી (-૧.૬૫ટકા) અને એપોલો હોસ્પિટલ્સ (-૧.૨૨ટકા) સૌથી વધુ ઘટ્યા હતા. સિપ્લા (-૦.૮૭ટકા), પાવરગ્રીડ (-૦.૮૬ટકા), એનટીપીસી (-૦.૪૮ટકા) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (+૦.૦૪ટકા પર ફ્લેટ) પાછળ રહ્યા હતા.