BREAKING NEWS

અમદાવાદના CP જ્ઞાનેન્દ્ર સિંહ મલિક રાજ્યના નવા ડીજીપી બન્યા, 1993ની બેચના IPS અધિકારી, જાણો તેમના વિશે

  • June 06, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના વહીવટી અને પોલીસ તંત્ર તરફથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને ગુજરાતના નવા પોલીસ વડા (ડીજીપ)ના નામની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલી આ સર્વોચ્ચ જગ્યા પર સરકારે મોટો વહીવટી નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર  અને ૧૯૯૩ની બેચના સિનિયર આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને હવે ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી ગૃહ વિભાગ અને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.


​આ નિમણૂક તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત પદ માટે તેમનો પગાર ધોરણ એપેક્સ સ્કેલ લેવલ ૧૭ મુજબ પે મેટ્રિક્સમાં રૂપિયા ૨,૨૫,૦૦૦ (ફિક્સ) નક્કી કરવામાં આવ્યો છે. ૧૯૯૩ની બેચના આ વરિષ્ઠ આઈપીએસ અધિકારી હવે સમગ્ર ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કમાન સંભાળશે.


આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના હુકમથી જારી કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનની નકલ મુખ્યમંત્રી કચેરી, સચિવાલયના વિવિધ વિભાગો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુપીએસસી) નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવી દિલ્હી તેમજ ગુજરાત કેડરના તમામ આઇપીએસ અધિકારીઓ અને સંબંધિત એકાઉન્ટ ઓફિસરોને જરૂરી વહીવટી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.


જ્ઞાનેન્દ્ર સિંહ મલિક અમદાવાદના પોલીસ કમિશનર તરીકે લાંબો અનુભવ ધરાવે છે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. સીએમ સચિવાલય અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની લાંબી વિચારણા બાદ તેમના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને પોલીસ તંત્રના આધુનિકીકરણમાં તેમની આ નવી ભૂમિકા અત્યંત મહત્વની સાબિત થશે તેવું મનાઈ રહ્યું છે.


કોણ છે જ્ઞાનેન્દ્ર સિંહ મલિક?

ગુજરાતના નવા પોલીસ વડા બનેલા જ્ઞાનેન્દ્રસિંહ મલિક હરિયાણાના રહેવાસી અને ૧૯૯૩ની બેચના આઈપીએસ ઓફિસર છે. તેમણે કરિયરની શરૂઆત કચ્છના એએસપી તરીકે કરી હતી. તેઓ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર સીઆઈએસએફના એડીજી (નોર્થ) અને બીએસએફના આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ભરૂચના એસપી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાની ધરપકડ કરીને ભારે ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત, વર્ષ ૨૦૦૯માં થયેલા પ્રખ્યાત ચંડોળા ડિમોલિશન વખતે તેઓ સ્પેશિયલ બ્રાન્ચમાં મહત્વની ફરજ પર તહેનાત હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application