૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં ૨૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ કરુણ અને ગંભીર અકસ્માત બાદથી એર ઈન્ડિયા માટે મુસાફરોનો ફરીથી વિશ્વાસ જીતવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. બ્રિટનના મીડિયામાં પ્રકાશિત થયેલા એક વિશેષ રિપોર્ટ અનુસાર, આ અકસ્માત બાદથી એરલાઇન્સ પ્રત્યે મુસાફરોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. રિપોર્ટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે દુર્ઘટના બાદ પણ એર ઈન્ડિયા દ્વારા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ (સુરક્ષાના ધોરણો) ને અનુસરવામાં યોગ્ય પારદર્શિતા રાખવામાં આવી નથી અને ઢાંકપીછોડા કરવાનો પ્રયાસ કરાયો છે. આ તમામ નકારાત્મક પરિબળોના કારણે ભારત અને બ્રિટન વચ્ચે ચાલતી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
બ્રિટિશ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ૧૨ જૂનની ઘટના બાદ ભારત-બ્રિટન રૂટ પર એર ઈન્ડિયાને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ઘટના પહેલા સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત હતી. વર્ષ ૨૦૨૫ના શરૂઆતના પ્રથમ પાંચ મહિના એટલે કે જાન્યુઆરીથી મે દરમિયાન એર ઈન્ડિયાને પેસેન્જર ટ્રાફિકમાં ૧૮ થી ૩૨ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જુલાઈ ૨૦૨૫ સુધી પણ આ રૂટ પર સ્થિતિ સામાન્ય અને સારી હતી, પરંતુ ૧૨ જૂનના અકસ્માત બાદ પેસેન્જર ટ્રાફિકમાં રિવર્સ ટ્રેન્ડ (અવળો પ્રવાહ) શરૂ થઈ ગયો હતો.
દુર્ઘટના બાદ ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મુસાફરોની સંખ્યામાં મોટો આંકડાકીય ઘટાડો નોંધાયો છે. ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ ૨૦૨૫માં એર ઈન્ડિયા દ્વારા ૮૫,૦૨૪ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જે અગાઉના વર્ષે આ જ મહિનામાં ૯૬,૫૭૬ હતો. સપ્ટેમ્બર ૨૦૨૫માં આ સંખ્યા ૧,૦૦,૫૫૯થી ઘટીને ૮૧,૨૯૧ પર આવી ગઈ હતી, જ્યારે ઓક્ટોબર મહિનામાં મુસાફરોની સંખ્યામાં ૧૪ ટકાનો સીધો ઘટાડો થયો હતો. અગાઉ ઓગસ્ટથી ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન આ રૂટ પર મુસાફરોની આંકડો મહિને ૧ લાખ સુધી પહોંચી જતો હતો, જે ઘટના બાદ ઘટીને માત્ર ૮૦ હજારની આસપાસ આવી ગયો હતો.
૧૨ જૂન, ૨૦૨૫ના રોજ બનેલી આ અમદાવાદ વિમાન દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી અને અંતિમ તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી, જેને કારણે પણ મુસાફરોમાં આશંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ માહિતી આપતા સ્પષ્ટતા કરી છે કે અમદાવાદ અકસ્માતની તપાસ હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં જ આ દુર્ઘટના પાછળના સાચા કારણો દર્શાવતો વિગતવાર અંતિમ રિપોર્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.