BREAKING NEWS

હાઇજેકની ધમકી મળતા 93 મુસાફરોના જીવ અધ્ધર, રનવે પર એર ઇન્ડિયાનું વિમાન રોકી દેવાયું: સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

  • November 11, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એર ઇન્ડિયાની કોલકાતા-મુંબઈ ફ્લાઇટને હાઇજેક કરવાની ધમકી: ટોયલેટમાંથી મળી બોમ્બ અને હાઇજેકની નોટ

કોલકાતાથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તે સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે વિમાનના ટોયલેટમાંથી એક ધમકીભરી ચિઠ્ઠી મળી આવી હતી. વિમાન ટેક-ઓફ કરે તે પહેલાં જ ફ્લાઇટ એટેન્ડન્ટને શૌચાલયમાંથી એક નોટ મળી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે સવારે ૧૧:૧૦ વાગ્યે આ પ્લેનને હાઇજેક કરી લેવામાં આવશે. આ ધમકીભરી નોટ મળતા જ વિમાનના ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ સિક્યુરિટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.


બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ તુરંત જ વિમાનને રનવે પર જ રોકી દીધું હતું અને તેને આઇસોલેશન બે (અલગ રનવે ક્ષેત્ર) પર ખસેડવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ સિક્યુરિટી, સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) અને સ્થાનિક પોલીસની ટુકડીઓએ સમગ્ર વિમાનનો કબ્જો લઈ લીધો હતો.


ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને શ્વાન દળ (ડોગ સ્ક્વોડ) દ્વારા સમગ્ર પ્લેનનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોના તમામ સામાન, હેન્ડ બેગ અને કેબિન સેક્શનની સંપૂર્ણ તલાશી લેવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી આ ઘન સઘન તપાસ બાદ વિમાનમાંથી કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી, જેથી સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ ધમકીને એક અફવા (હોક્સ) જાહેર કરી હતી.


આ ઘટના બાદ એરપોર્ટ સત્તાવાળાઓ અને પોલીસે ધમકીભરી નોટ લખનાર અસામાજિક તત્વની શોધખોળ શરૂ કરી દીધી છે. પ્લેનમાં સવાર તમામ મુસાફરોના હેન્ડરાઇટિંગ સેમ્પલ ચકાસવાની અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એરલાઇન્સ અને સિક્યુરિટી એજન્સીઓ દ્વારા મુસાફરોની સુરક્ષા સાથે સંકળાયેલા નિયમો વધુ કડક બનાવી દેવામાં આવ્યા છે અને આરોપી સામે સખત કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application