નવી દિલ્હીની હવા ઝેરી બની ગયાના અહેવાલો સામે આવી રહ્યા છે અને નવી દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૬૦૦થી ૭૦૦ સુધી પહોંચી ગયો છે. દરમિયાન રાજકોટવાસીઓએ પણ રાજી થવા જેવું નથી, રાજકોટ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ ૧૦૦થી વધી ગયો છે જે આરોગ્ય દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ અને ફેફસાને નબળો પાડનારો છે.
રાજકોટ મહાપાલિકાએ આઇ વે પ્રોજેક્ટ હેઠળ મૂકેલા સીસી ટીવી કેમેરામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ માપવાનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલો છે તેમાં થયેલી નોંધ મુજબ આજે તા.૨૫ નવેમ્બરના રોજ શહેરના છ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૦૦થી ઉપર નોંધાયો છે.
મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે કુવાડવા રોડ ઉપર ડિલક્સ ચોક (પારેવડી ચોક)માં ૧૦૩, કોર્પોરેશન ચોકમાં ૧૨૨, જામનગર રોડ ઉપર જામ ટાવર ચોકમાં ૧૧૫, ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોકમાં ૧૦૮, જ્યારે ૮૦ ફૂટ રોડ ઉપર સોરઠિયાવાડી ચોકમાં ૧૨૮ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપરના નાના મવા ચોકમાં ૧૦૮ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દિવાળીની રાત્રે ધૂમ ફટાકડા ફોડતા એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ ઉપર પહોંચ્યો હતો જેના પગલે અનેક લોકોને ખુલ્લી હવામાં પણ શ્વાસમાં લેવા તકલીફ થઇ હતી.