ગોંડલની પરિણીતાને પતિના જામીન કરાવી દેવા તેમજ ઉચાપતના ગુનામાં પરિણીતા અને તેણીના સસરાનું નામ નહીં ખોલવા દેવાનું કહી કથિત પત્રકાર આણી ટોળકીએ રૂ. 26 લાખ પડાવ્યા હતા. જે અંગે પરિણીતાની ફરિયાદ પરથી ગુનો નોંધી ગોંડલ બી ડિવિઝન પોલીસે કથિત પત્રકાર સહિતની ત્રિપુટીને ઝડપી લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલમાં રહેતા સોનલબેન મયુરભાઈ ઢોલના પતિ ઉચાપતના ગુનામાં ગોંડલ સબ જેલમાં બંધ હોય કથિત પત્રકાર રવિ રામાણી આણી ટોળકીએ પરીણિતાનો સંપર્ક કરી પોતે પોલીસ, જેલ ખાતા તેમજ કોર્ટમાં વગ ધરાવતા હોવાનું જણાવી તેણીના પતિના જામીન કરાવી આપવા તેમજ ફરિયાદી અને તેમના સસરાનું નામ ગુનામાં નહીં ખોલવાનું જણાવી પરિણીતા પાસે કટકે કટકે રૂપિયા 26 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
પૈસા પડાવ્યા બાદ પણ પરિણીતાના પતિના જામીન નહિ થતાં તેણીએ પૈસા પરત માંગતા કથિત પત્રકાર આણી ટોળકીએ ધમકી આપી હતી. જે મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જી.એસ.ગઢવી એ કથીત પત્રકા રવિ રાજેશભાઈ રામાણી (ઉવ 30 રહે. વોરા કોટડા રોડ, ગોંડલ), અજયકુમાર સંજયગીરી ગોસ્વામી (ઉવ 31 રહે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની પાછળ, જીત રેસીડેન્સી, રાજકોટ) અને મયુરકુમાર લીલાધરભાઇ ફીચડીયા (ઉવ 44 રહે. ઉમવાડા ચોકડી, રમાનાથ દર્શન એપાર્ટમેન્ટ, ગોંડલ)ની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા એક દિવસ નાં રિમાન્ડ મંજુર કરાયા છે.