રાકોટ શહેરમાં લુખ્ખા અને માથાભારે તત્વોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ છાસવારે કાયદો હાથમાં લે છે. ત્યારે વધુ એક આવી ઘટના શહેરના રેલનગર વિસ્તારમાં બનવા પામી છે. અહીં બે પક્ષો વચ્ચે ચાલતી માથાકૂટમાં એક નિર્દોષ યુવાનની કારની નિશાન બનાવી તેના પર સોડા બોટલ અને પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા. બીજી તરફ જેની સાથે અદાવત ચાલતી હતી તે શખસોએ પાનના ધંધાર્થીના દુકાનમાં બેફામ તોડફોડ કરી હતી. આ મામલે પ્ર.નગર પોલીસે અલગ અલગ બે ગુના નોંધી સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
તોડફોડના આ બનાવ અંગે સાધુવાસવાણી કુંજ રોડ રાધિકા રેસીડેન્સી શેરી નંબર-૧ રેલનગરમાં રહેતા યશરાજસિંહ દુષ્યંતસિંહ સરવૈયા (ઉ.વ.31) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાહિલ રત્નાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ વહેલી સવારે 4:15 વાગ્યા આસપાસ તે તથા તેનો મિત્ર ધવલ તેમના બહેન પૂજાબેન અને પૂજાબેનની દીકરી ગરબામાંથી પોતાની ગ્રાન્ડ વિટારા કાર નંબર જીજે3 પીજે 8316 માં પરત આવતા હતા. મિત્ર ધવલભાઈના બહેન પૂજા અને તેમની દીકરીને આનંદ સ્કૂલ પાસે તેમના ઘરે મુકવા ગયા હતા ત્યારબાદ દીકરી આદ્યાને આઈસ્ક્રીમ ખાવો હોય જેથી ગાડી લઇ રુદ્ર રેસીડેન્સી વાળા રસ્તા પરથી આસ્થા ચોક તરફ જતા હતા. ત્યારે અજાણ્યા શખસોએ યુવાનની ગાડી પર કાચની બોટલો તથા પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા જેથી તેઓ કાર લઇ તુરંત અહીંથી નીકળી ગયા હતા. આગળ જઇ ચેક કરતા કારના આગળના કાચમાં તિરાડ પડી હતી અને કાચ તૂટી ગયેલો હતો તથા દરવાજામાં પણ નુકસાન થયું હતું જેથી 112 માં કોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે તેમના મિત્ર ધવલને આ બાબતે પૂછતા કહ્યું હતું કે, ગાડી પર પથ્થર ફેંકનાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ સાહિલ રતના છે તેણે કોઈ બીજા વ્યક્તિ સમજે આપણી ગાડી પર કાચની બોટલ ફેકી હતી જેથી આ મામલે યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ પોપટપરા મેઇન રોડ પર આસ્થા ચોક રેલનગર-૨ માં રહેતા સલીમભાઈ દાઉદભાઈ ચાનિયા (ઉ.વ.53) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગર -૨ માં ક્રિષ્ના પાર્કમાં રહેતા સાહિલ વ્યાસ અને પિયુષ ભરવાડના નામ આપવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને પોપટપરા મેઇન રોડ પર એકતા મસાલા માર્કેટ સામે કાજલ નામની પાનની દુકાન આવેલી છે. ગઈકાલે વહેલી સવારના તેઓ દુકાને ગયા હતા ત્યારે દુકાનમાં તોડફોડ થઈ હતી અને કેમેરામાં પણ તોડફોડ કરી હતી બાદમાં તેમણે દુકાન પર લગાવેલા કેમેરા ચેક કરતા વહેલી સવારના 7:45 વાગ્યા આસપાસ બે શખસો સાહિલ અને પિયુષ તેમની દુકાનમાં કાચની બોટલ તથા પથ્થર વડે તોડફોડ કરતા હોવાનું નજરે પડ્યું હતું જેથી આ મામલે તેમણે પોલીસમાં જાણ કારી હતી અને બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, પાનની દુકાન ધરાવનાર સલીમભાઈ ચાનિયાને પોપટપરામાં રહેતા એક માથાભારે શખસ સાથે અદાવત ચાલતી હોય અગાઉ તેમના પુત્ર પર દુષ્કર્મનો કેસ થયો હતો જેમાં તે જામીન પર છૂટ્યા બાદ આ શખ્સો દ્વારા અવારનવાર અહીં આવી નાનીમોટી માથાકૂટો કરવામાં આવતી હતી દરમિયાન ગઈકાલે પણ બંને પક્ષો વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ હતી. દરમિયાન બંને પક્ષો એકબીજાને ભરીપીવા તૈયાર હતા. તેવામાં રાધિકા રેસીડેન્સીમાં રહેતા યશરાજસિંહ પોતાની કાર લઇ નીકળતા હરીપક્ષ સમજી સલીમભાઈના પુત્ર સાહિલ સહિતનાએ કાર પર હુમલો કર્યો હતો. જે અંગે યશરાજસિંહ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જતા બીજી તરફ પાનના ધંધાર્થીને જે શખસો સાથે માથાકૂટ ચાલતી હતી તેમણે તેમની દુકાનમાં તોડફોડ કર્યાનુ માલુમ પડ્યું છે. પોલીસે બંનેની ફરિયાદના આધારે ગુનો નોંધી આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.