BREAKING NEWS

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગ, પહેલા નોરતે સર્ટિફિકેટ અપાશે

  • October 09, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જગવિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું યાત્રાધામ અંબાજી હવે માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખની દ્રષ્ટિએ પણ વૈશ્વિક નકશા પર વધુ મજબૂત બન્યું છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા અંબાજી મંદિરના પરંપરાગત અને સ્વાદિષ્ટ મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી દ્વારા સત્તાવાર રીતે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. જેનું સર્ટિફિકેટ પહેલા નોરતે આપવામાં આવશે. આ વિશેષ સિદ્ધિના કારણે હવે અંબાજીના મોહનથાળને રાષ્ટ્રીય સ્તરે એક વિશિષ્ટ કાનૂની સંરક્ષણ પ્રાપ્ત થયું છે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે. 


આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સક્રિય અને પદ્ધતિસરની રજૂઆતો મુખ્ય આધાર રહી છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીને ગંભીરતાથી લઈને જીઆઈ રજિસ્ટ્રી દ્વારા 'અંબાજી મોહનથાળ'ને ખાધ પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ સત્તાવાર જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યો છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર, આ મહત્વપૂર્ણ સર્ટિફિકેટ ગત પહેલી ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું છે, જેનાથી ભક્તોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.


આ જીઆઈ ટેગ મળવાની સાથે જ અંબાજીનો મોહનથાળ દેશના અત્યંત સુપ્રસિદ્ધ અને વિશિષ્ટ મંદિર પ્રસાદોની હરોળમાં સામેલ થઈ ગયો છે. અગાઉ દક્ષિણ ભારતના પ્રખ્યાત તિરુપતિ લાડુ અને પલાની પંચામૃતમ જેવા મર્યાદિત અને પવિત્ર પ્રસાદોને જ આ પ્રકારની વિશિષ્ટ ઓળખ મળી હતી, જેમાં હવે ઉત્તર ગુજરાતના અંબાજીના મોહનથાળનું નામ પણ ગર્વપૂર્વક જોડાઈ ગયું છે. આ પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને તેની સદીઓ જૂની પરંપરાગત ઓળખ હવે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અકબંધ રહેશે.


આ ગૌરવવંતી સિદ્ધિના અવસરે પવિત્ર નવરાત્રી પર્વના પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરે અંબાજી દેવસ્થાન પરિસરમાં એક ભવ્ય અને વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ પોતાના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર જીઆઈ સર્ટિફિકેટ અર્પણ કરશે, જે સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થશે.


જીઆઈ ટેગ મળવાથી હવે કોઈ પણ અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા 'અંબાજી મોહનથાળ' નામનો અનધિકૃત ઉપયોગ, વ્યાપારી ધોરણે ગેરકાયદે વેચાણ કે નકલ કરી શકાશે નહીં. આ ટેગ મળવાથી કાનૂની સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે, જેથી પ્રસાદની પવિત્રતા, શુદ્ધતા અને અસલ સ્વાદ હંમેશાં જળવાઈ રહે. આ પગલાથી અંબાજી આવતા ભક્તોને અસલી અને ગુણવત્તાયુક્ત પરંપરાગત મોહનથાળ પ્રસાદનો લાભ મળતો રહેશે અને સ્થાનિક પરંપરાને વ્યાપારી શોષણ સામે રક્ષણ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application