BREAKING NEWS

2027માં કોંગ્રેસ લોકપ્રિય ચહેરાઓ મેદાને ઉતારશે, જેન ઝીનો બદલાયેલો જુવાળ શાસન પલટાનો સંકેત: અમિત ચાવડા

  • November 14, 2026 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી દિલ્હીથી લઇને દેશભરમાં જેન ઝીનો બદલાયેલો અને કોંગ્રેસ તરફી સર્જાયેલો જુવાળ શાસન પલટાના સંકેત હોવાનું જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી કોંગ્રેસે હાલથી જ શરૂ કરી દીધી છે, ૨૦૨૭ની ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતની ૧૮૨ બેઠકો ઉપર લોકપ્રિય ચહેરાઓને મેદાને ઉતારશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે એકંદરે નવા અને લોકપ્રિય ચહેરાને તક આપવાનો અભિગમ રહેશે તેમ છતાં જુના હોય અને અગાઉ પરાજિત થઈ ચૂક્યા હોય તેમ છતાં જો લોકપ્રિય હશે તો તેમને કોંગ્રેસ ચૂંટણી લડવાની તક આપશે. એક તબક્કે તેમણે રાજ્યમાં કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસભેર દાવો વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા આજરોજ રાજકોટ સ્થિત આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને આજકાલ દૈનિકના મેનેજિંગ ડિરેક્ટર કમ એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી સાથે મુક્તમને નિખાલસ ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ગુંડાગીરીએ માઝા મૂકી છે. સરકારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કે રાજ્યમાં દુષ્કાળ જાહેર નહીં કરીને ખેડૂતોને પડ્યા ઉપર પાટુ માર્યું છે. આગામી દિવસોમાં પાકવીમા સહિતના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક લડત આપશે.

પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે એક સમયે ખોટા નેરેટિવ સર્જીને સોશ્યલ મીડિયામાં ધમાલ મચાવતું ભાજપ હવે ખરા અર્થમાં ટ્રોલ થવા લાગ્યું છે, જેન ઝી ભાજપના નેતાઓને જડબાતોડ જવાબ આપવા લાગ્યું છે, આ બાબત બદલાતા સમયની તાસીર છે. હાલ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર સર્જાઈ ગયું છે તે બાબત પારખવામાં ભાજપના નેતાઓ થાપ ખાઇ રહ્યા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં અગાઉ જેવી પ્રભાવક સ્થિતિમાં રહી નથી. આમ દરેક તબક્કે કોંગ્રેસ માટે ઊજળા સંજોગો છે.


અમિત ચાવડાએ સાંપ્રત સ્થિતિ વિશે આ ૧૧ વાત કહી

૧.ગુજરાત સરકારમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું નથી, નહીં તો પ્રધાનમંત્રીએ વારંવાર ગુજરાત કેમ આવવું પડે ? ભ્રષ્ટાચારે માઝા મૂકી છે

૨.કોંગ્રેસ હંમેશા દારૂબંધીની વિરુધ્ધમાં હતી, છે અને રહેશે

૩.સોશ્યલ મીડિયામાં અને જેન-ઝીમાં ટ્રેન્ડ બદલાયો હવે ભાજપના નેતાઓ નેચરલી ટ્રોલ થવા લાગ્યા

૪. દુષ્કાળના વર્ષમાં ખેડૂતો માટે આપ્યા તેનાથી વિશેષ પેકેજો આપીને પાક વીમા ફટાફટ ચૂકવવા જોઇએ

૫. આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલા કોંગ્રેસીઓને પરત લાવવા તમામ પ્રયાસો કરાશે

૬. કોંગ્રેસ પાસે જનાધાર છે જ, ચુનંદા ઉમેદવારોને લડાવી ઇલેક્શન મેનેજમેન્ટ વધુ પાવરફુલ બનાવીશું

૭. અગાઉ ચૂંટણીમાં પરાજિત થયા હોય પરંતુ સારા અને લોકપ્રિય ઉમેદવાર હશે તો તેને ફરી ટિકિટ આપીશું

૮. સોશ્યલ મીડિયામાં પૈસા આપીને ચલાવાતા ટ્રેન્ડ અને જમીન ઉપરની વાસ્તવિકતા અલગ

૯. રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસના દરેક નેતા ભાજપના રડારમાં જ હોય

૧૦. એસ.આઈ.આર.ના નામે મતદારોના નામ કમી કરીને વોટચોરી કરી હવે ભાજપ નહીં જીતી શકે, જનતા જાગૃત બની છે.

૧૧.ગુજરાત વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણી દેશને નવી દિશા આપશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application