મહાનાયક અમિતાભ બચ્ચને રવિવાર મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેમણે એક મીડિયા સંસ્થાઓ પર પોતાના શબ્દોને તોડી-મરોડીને છાપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અમિતાભ બચ્ચને સ્પષ્ટતા કરી હતી કે તેમણે ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી હતી, પરંતુ તે પ્રાર્થનાને વિરોધીઓને આપવામાં આવેલી ખુલ્લી ચેતવણી તરીકે રજૂ કરવામાં આવી, જે સીધી રીતે ધર્મનો અનાદર છે. આ પ્રકારની પત્રકારત્વ સામે મહાનાયકે પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
બચ્ચને ખુલાસો કરતા લખ્યું હતું કે, તેઓ કૃષ્ણ કનૈયા માટે હંમેશાં પ્રાર્થના સ્વરૂપે 'હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી' શબ્દોનો ઉચ્ચારણ કરે છે. આ વિવાદની શરૂઆત ૨૯ ઓક્ટોબરે થઈ હતી, જ્યારે તેમણે કૃષ્ણ-સ્તુતિની મૂળ પોસ્ટ કરી હતી. તે પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, જાઓ, લે આવો અપને હાથી-ઘોડે... હમ ભી લે આયેંગે! હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી." પરંતુ આ બાબતને મીડિયા દ્વારા અલગ જ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.
ત્યારબાદ પહેલી નવેમ્બરની રાત્રે અમિતાભ બચ્ચને બે ટ્વિટ કરીને ફરીથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, "લખતે હૈ પ્રાર્થના, ઔર મીડિયા ઉસકે શબ્દો કા દુરુપયોગ કરકે નિરાદર કરતા હૈ! ઇતની લાચારી? અબ મીડિયા હમારે હાથ મેં ભી હૈ. સોચ લો! ભારી પડેગા!!" મહાનાયકે મીડિયા સંસ્થાઓને કડક શબ્દોમાં ટાંકીને ચેતવણી આપી હતી કે તેમના નિવેદનોનો દુરુપયોગ ભારે પડી શકે છે.
તેમણે પોતાના ફૉલોઅર્સની તાકાતનો ખુલ્લેઆમ હવાલો આપતા લખ્યું હતું કે, સુન લો કાન ફાડ કે મીડિયા વાલો, પાંચ કરોડ કી આબાદી હે હમારે ફૉલોઅર્સ કી. જિસ દિન ઇશારા કિયા, તો ઉનમેં સે કેવલ ૧૦ પ્રતિશત હી ઠોકને કો તૈયાર બેઠે હૈ. બચ્ચને વધુમાં ચેતવણી આપી હતી કે જેટલી નિંદા કરવામાં આવશે, તેના કરતા સો ગણો જવાબ આપવાની ક્ષમતા તેમના પ્રશંસકો અને ચાહકો ધરાવે છે. આ પ્રકારની આક્રમક પોસ્ટથી સોશિયલ મીડિયા પર એક મોટો વિવાદ છેડાઈ ગયો છે.