મહારાષ્ટ્રના નાસિક શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રિના સુમારે અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં સ્થાનિક રહીશોમાં ભારે અફડાતફડી અને ફફડાટ વ્યાપી ગયો હતો. આ આંચકાની સીધી અસર સરહદી દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ જોવા મળી હતી, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા સહિત આસપાસનો પંથક ધ્રૂજી ઊઠ્યો હતો.
મળતી વિગતો અનુસાર, નાસિકના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી નાના-મોટા આંચકાઓ નોંધાઈ રહ્યા હતા. પરંતુ શનિવારે રાત્રે ૧૦:૧૦ વાગ્યાની આસપાસ નાસિકના શહેરી વિસ્તારોમાં પણ ૪.૩ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ઇન્દિરાનગર, પંચવટી, મેઈન રોડ, હીરાવાડી અને પાથર્ડી પાડા જેવા વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. કેટલીક જગ્યાએ ઘરના વાસણો અને સામાન નીચે પડી જવાની ઘટનાઓ સામે આવી છે.
નાસિકમાં આવેલી આ ભૂકંપની તીવ્ર અસર દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓમાં પણ વર્તાઈ હતી. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે રિક્ટર સ્કેલ પર ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, સાપુતારાથી માત્ર ૧૪ કિલોમીટર દૂર આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું, જેના કારણે હિલ સ્ટેશન સાપુતારા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી આવ્યા હતા.
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ ભૂકંપ પાછળ 'હાઇડ્રો-સિસ્મિક' પ્રવૃત્તિ જવાબદાર છે. જુલાઈ મહિના દરમિયાન નાસિક અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે પાણી સપાટી નીચે આવેલા બેસાલ્ટ ખડકોની તિરાડોમાં ઊંડે સુધી ઘૂસી ગયું હતું. આનાથી જમીન અંદર પ્રવાહી દબાણમાં અચાનક વધારો થયો હતો, જેણે ડેક્કન પ્લેટુ નીચે રહેલી પ્રાચીન ભૂસ્તરીય રચનાઓમાં હલચલ પેદા કરી હતી. આ કુદરતી પ્રક્રિયાના પરિણામે ઓછી તીવ્રતાના ભૂકંપ વારંવાર આવી રહ્યા છે.
અચાનક આવેલા આંચકા બાદ નાસિક જિલ્લા વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાનની શક્યતા નહિવત છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના વહીવટી તંત્રે પણ સરહદી વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખીને નાગરિકોને ગભરાટ ન રાખવા સલાહ આપી છે.