BREAKING NEWS

કાળી મજૂરી કરી ઘર બનાવ્યું, 60 વર્ષથી રહીએ છીએ, દીકરો મજૂર છેઃ જંગલેશ્વરમાં વૃદ્ધાની ચોધાર આંસુ સાથે વ્યથા

  • February 23, 2026 08:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે એક તરફ 64 જેસીબી, 90 ટ્રેક્ટર અને 7 હિટાચી મશીનોના ગડગડાટથી આખો વિસ્તાર ગુંજી રહ્યો છે, ત્યારે બીજી તરફ વર્ષોથી અહીં વસતા ગરીબ પરિવારોના જીવનમાં 'કાળો કેર' વર્તાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.


કાળી મજૂરીથી બનાવેલા ઘર પળવારમાં જમીનદોસ્ત

આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન માનવીય સંવેદનાઓને હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. આજકાલ ડિજિટલની ટીમ સાથે વાતચીત કરતા એક વૃદ્ધા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમણે ડૂસકાં ભરતા જણાવ્યું કે, "અમે છેલ્લા 60 વર્ષથી અહીં રહીએ છીએ. લોહીનું પાણી કરીને અને કાળી મજૂરી કરીને અમે આ ઘર બનાવ્યું હતું". સરકારે આદેશ આપતા તેમણે સ્વેચ્છાએ ઘર ખાલી તો કરી દીધું, પણ પોતાની નજર સામે જ પોતાનું ઘર તૂટતું જોઈ તેઓ પડી ભાંગ્યા હતા.


તંત્રનો ચુસ્ત બંદોબસ્ત અને અસરગ્રસ્તોની વ્યથા

જંગલેશ્વરમાં 1489 જેટલા મકાનો તોડવાની આ કાર્યવાહીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાના નેતૃત્વમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે, કાયદાકીય કાર્યવાહી વચ્ચે ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. અસરગ્રસ્ત વૃદ્ધાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, તેમનો દીકરો કારખાનામાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. હવે જ્યારે માથેથી છત છીનવાઈ ગઈ છે, ત્યારે સરકાર પાસે તેમની એક જ માંગ છે કે તેમને રહેવા માટે વૈકલ્પિક ક્વાર્ટરની વ્યવસ્થા કરી આપવામાં આવે.


64 જેસીબી, 90 ટ્રેક્ટર અને 7 હિટાચી મશીનો કાર્યરત.

અપીલ: DCP જગદીશ બાંગરવાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

માંગ: ઘરવિહોણા બનેલા પરિવારો માટે વૈકલ્પિક આવાસ (ક્વાર્ટર) ફાળવવાની માંગ.

તંત્ર માટે આ ભલે માત્ર દબાણ હટાવવાની ઝુંબેશ હોય, પરંતુ સેંકડો પરિવારો માટે આ એક જીવનભરની કમાણી ગુમાવવાનો દિવસ સાબિત થયો છે.


મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા નીલકંઠ ટોકીઝ સામેના કંટ્રોલરૂમ ખાતેથી સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમોની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News