BREAKING NEWS

મવડી-ઉપલાકાંઠે મકાઇના લોટમાંથી પેટીસ બનાવવાનું કારસ્તાન ઝડપાયું

  • August 25, 2026 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ખાણીપીણીના પદાર્થોમાં ભેળસેળ માટે કુખ્યાત બનેલા રાજકોટમાં પરમ પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકોના ઉપવાસ એકટાણા ભંગાવવાનું પાપ નફાખોર ભેળસેળિયાઓએ કર્યું હોવાનું સામે આવ્યું છે. મવડી તથા ઉપલાકાંઠા વિસ્તારની બે પેઢીઓમાં મકાઇના લોટમાંથી બનાવેલી અને ફરાળીના નામે વેંચાતી પેટીસ તેમજ મકાઈનો લોટ સહિત કુલ ૧૭૯ કિલો જથ્થાનો નાશ સ્થળ ઉપર નાશ કરી નોટિસ ફટકારી દંડ વસૂલાત કરાઇ હતી.  મ્યુનિ.સૂત્રોએ જાહેર કરેલી વિગતો અનુસાર શહેરના મવડી વિસ્તારના ઓમનગર, ૪૦ ફૂટ રોડ ઉપર આવેલી જય સીયારામ ફરસાણ પેઢીમાં ચેકિંગ કરતા ત્યાં આગળ મકાઈનો લોટ વાપરી બનાવેલ ૮૦ કિલો ફરાળી પેટીસ તેમજ ફરાળી તરીકે વપરાશ થતો ૧૫ કિલો મકાઈનો લોટ મળીને કુલ ૯૫ કિલો જથ્થાનો નાશ કરી રૂ.૩૦૦૦નો દંડ વસુલ કર્યો હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉપરોક્ત ઉપરાંત ઉપલાકાંઠા વિસ્તારમાં ખોડિયાર પરા શેરી નં.૨૫, આજી વસાહત પાસે, ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ પેઢી જલારામ ફરસાણમાં ચેકીંગ કરતા ત્યાં આગળ પણ મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવીને વેંચતા હોવાનું માલૂમ પડ્યું હતું જેથી પેઢીમાં રહેલ ૧૯ કિલો મકાઇના લોટની પેટીસ અને ૬૫ કિલો મકાઈનો લોટ મળીને કુલ ૮૪ કિલો જથ્થાનો નાશ કરાયો હતો તેમજ નોટિસ ફટકારી ફરાળી ચેવડાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૫ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત ૨૦૬ કિલો અખાદ્ય-વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ.તપાસ દરમિયાન કુલ પાંચ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ,હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૧૨ હજારનો દંડ વસુલ કર્યો હતો તેમજ ફરાળી પેટીસ અને ફરાળી લોટના ૧૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application