BREAKING NEWS

રાજસ્થાનથી અમદાવાદમાં એનાલોગ પનીર ઘુસાડાતું, આરોગ્ય વિભાગે 408 કિલો જથ્થો જપ્ત કર્યો

  • August 21, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં અન્ય રાજ્યોમાંથી ખાનગી લક્ઝરી વાહનો મારફતે લાવવામાં આવતા અશુદ્ધ અને ભેળસેળયુક્ત પનીરના કાળા કારોબાર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મણિનગર વિસ્તારમાંથી 408 કિલો 'લો ફેટ પનીર'નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, જેણે શહેરીજનોના આરોગ્ય સાથે થતા ચેડાંનો પર્દાફાશ કર્યો છે. આ પનીરનો જથ્થો રાજસ્થાનથી આવ્યાનું ખુલ્યું છે.


મળતી વિગતો અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટને ચોક્કસ બાતમી મળી હતી કે બહારના રાજ્યમાંથી લક્ઝરી વાહનો દ્વારા શંકાસ્પદ પનીરનો જથ્થો શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે વહેલી સવારે મણિનગરના દેડકી ગાર્ડન પાસે આવેલા પાર્કિંગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ત્યાં પાર્ક કરેલી અરુણાચલ પ્રદેશ રજિસ્ટ્રેશન ધરાવતી બે શંકાસ્પદ લક્ઝરી વેન મળી આવી હતી.


ટીમે જ્યારે બંને વાહનોની સઘન તલાશી લીધી ત્યારે તેમાંથી 'લો ફેટ પનીર'ના નામે વેચાણ માટે લવાયેલો ૪૦૮ કિલોગ્રામનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ પનીરનો જથ્થો લક્ઝરી બસના ઓપરેટરો સ્થાનિક વેપારીઓને માત્ર ૨૪૦ રૂપિયા પ્રતિ કિલોના સસ્તા ભાવે આપતા હતા, જ્યારે તેના પેકેટ પર રૂ. ૪૦૦થી ૪૫૦ ની એમઆરપી દર્શાવવામાં આવી હતી. પનીર પર લગાવેલા લેબલની પ્રાથમિક તપાસમાં આ જથ્થો રાજસ્થાનના જોધપુર અને પાલી ખાતે આવેલા ઉત્પાદક યુનિટોમાંથી મોકલવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.


ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ જથ્થો ભેળસેળયુક્ત 'એનાલોગ પનીર' હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આથી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ત્વરિત ધોરણે પનીરના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. હાલ પૂરતો ૪૦૮ કિલો પનીરનો તમામ જથ્થો જપ્ત કરી તેનું વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે અને માલ બગડે નહીં તે માટે તેને સીલ કરીને કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સ્થાનિક ફેરિયાઓ અને નાના વેપારીઓ આ પનીર ખરીદીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડેરીઓ, હોટેલો કે ખાણીપીણીની લારીઓ પર સપ્લાય કરતા હતા. હાલમાં આ જથ્થો અમદાવાદમાં ક્યાં-ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ગુનાહિત ભેળસેળ સાબિત થશે તો ઉત્પાદક યુનિટો અને સ્થાનિક ખરીદદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application