જામનગરમાં તહેવાર ટાંકણે ખાંડના ભાવમાં ભડકો, કીલોએ રૂ.૨૦નો વધારો..!
મોંઘવારીમાં ડામ: શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની સાથે ઇથેનોલમાં ૩૦ ટકા ઉપયોગ, સટ્ટા અને સંગ્રહાખોરી મુખ્ય કારણભૂત હોવાનો વેપારીઓનો મત
દોઢેક મહીના પૂર્વ રૂ.૪૫-૪૮ની કીલો મળતી ખાંડના ભાવ રૂ.૬૫-૬૮એ પહોંચી ગયા:મીઠાઇ અને ચા મોંઘી થશે: આગામી દીવસોમાં હજુ ભાવ વધવાની શકયતા
જામનગરમાં સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દીવસો બાકી છે ત્યારે ખાંડના ભાવમાં ભડકો થતાં વેપારીઓ અને ગૃહણીઓમાં દેકારો બોલી ગયો છે. કારણ કે, દોઢેક મહીના પૂર્વે રૂ.૪૫ થી ૪૮ની કીલો મળતી ખાંડના ભાવ રૂ.૬૫ થી ૬૮ પર પહોંચી જતાં મોંઘવારીમાં વધુ એક ડામની સ્થિતિ સર્જાઇ છે. ખાંડના ભાવ વધવાથી મીઠાઇ અને ચા મોંઘી થશે તેમાં બેમત નથી.શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની સાથે ઇથેનોલમાં ૩૦ ટકા વપરાશ, સટ્ટા અને સંગ્રહાખોરી કારણભૂત હોવાનું વેપારીઓએ જણાવ્યુું છે. આટલું જ નહીં આ કારણોસર આગામી દીવસોમાં પણ ખાંડના ભાવ વધીને રૂ.૭૫ કે તેનાથી વધુ થવાની શકયતા પણ નકારી શકાતી નથી તેમ પણ ઉમેર્યું છે.
વર્તમાન સમયમાં દીન-પ્રતીદીન વધતી જતી મોંઘવારીએ મઘ્યમ અને ગરીબ વર્ગના લોકોની કમર તોડી નાંખી છે. આટલું જ નહીં જીવનજરૂરીયાતની ચીજ-વસ્તુઓમાં થતાં ભાવ વધારાએ ગૃહણીઓના બજેટ ખોરવી નાખ્યા છે. મોંઘવારીએ માઝા મૂકતા લોકોને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. આ કપરી સ્થિતિમાં ચીજ-વસ્તુના ભાવમાં ઘટાડાની વાત તો દૂર રહી ઉલ્ટાનું એક પછી એક રોજબરોજ ઉપયોગી ચીજ-વસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
રાંધણગેસ, તેલ, અનાજ, કઠોળ સહીતની જીવનજરૂરી ચીજવસ્તુમાં ભાવ વધારા વચ્ચે ખાંડના ભાવમાં ભડકો થયો છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં શ્રાવણ મહીનો ચાલી રહ્યો હોય અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દીવસો બાકી હોય ખાંડના ભાવ સળગતા જામનગરના વેપારીઓ અને ગૃહણીઓમાં કાગારોળ મચી ગઇ છે.
શહેરના ખાંડના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યાનુસાર દોઢેક મહીના પૂર્વે એક કીલો ખાંડના ભાવ રૂ.૪૫ થી ૪૮ હતાં. પરંતુ મહારાષ્ટ્ર સહીત અન્ય રાજયમાં શેરડીના ઓછા ઉત્પાદન વચ્ચે ઇથેનોલ બનાવવામાં ૩૦ ટકા ખાંડના ઉપયોગના નિર્ણયથી ખાંડના ભાવ રીતસર સળગ્યા છે. આટલું જ નહીં ભાવ વધારા વચ્ચે સટ્ટા અને સંગ્રહાખોરીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આથી એક કીલો ખાંડના ભાવ હાલમાં વધીને રૂ.૬૫ થી ૬૮ પર પહોંચી ગયા છે. આટલું જ નહીં આ સ્થિતિ રહી તો આગામી દીવસોમાં એક કીલો ખાંડના ભાવ વધીને રૂ.૭૫ સુધી થવાની શકયતા પણ વેપારીઓએ દર્શાવી છે. ખાંડના ભાવ વધતા સ્વાભાવિક રીતે મીઠાઇ અને ચા મોંઘી થશે. સાતમ-આઠમના તહેવારો ટાંકણે ખાંડના ભાવમાં તેજીથી વેપારીઓ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. કારણ કે, ખાંડના ભાવ વધતા રોજીંદા વેંચાણમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. ખાંડના ભાવમાં વધારાથી મીઠાઇ અને ચા મોંઘી થશે તેમાં બેમત નથી.