BREAKING NEWS

જામનગર: કાલાવડ તાલુકામાં રૂ. ૫૨૦ લાખના ખર્ચે વિવિધ ગ્રામ્ય માર્ગોના રિસરફેસિંગની કામગીરી પૂર્ણ કરાઈ

  • August 21, 2026 02:23 PM 

જામનગર: કાલાવડ તાલુકામાં રૂ. ૫૨૦ લાખના ખર્ચે વિવિધ ગ્રામ્ય માર્ગોના રિસરફેસિંગની કામગીરી પૂર્ણ કરાઈ

મોટી ભગેડી-દાવલી-મોરવાડી-બોડી રોડ અને કૃષ્ણનગર ટુ ઓ.ડી.આર. રોડનું નવીનીકરણ થતાં ગ્રામીણ કનેક્ટિવિટી વધુ સુગમ અને સુરક્ષિત બનશે

જામનગર તા.૨૧, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ગ્રામીણ કનેક્ટિવિટી સુદ્રઢ કરવાના રાજ્ય સરકારના અભિગમ હેઠળ પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા રૂ.૫૨૦.૦૦ લાખના કુલ ખર્ચે બે મહત્વપૂર્ણ ગ્રામ્ય માર્ગોના રિસરફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માર્ગોના નવીનીકરણથી કાલાવડ તાલુકાના આસપાસના ગામોના રહેવાસીઓ, ખેડૂતો તથા વાહનચાલકોની લાંબા સમયની અવરજવરની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.

પ્રથમ કામગીરી અંતર્ગત કાલાવડ તાલુકાનો ૮.૦૦ કિલોમીટર લંબાઈ ધરાવતો મોટી ભગેડી-દાવલી-મોરવાડી-બોડી રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ માર્ગના રિસરફેસિંગ માટે સરકાર દ્વારા રૂ. ૪૦૦.૦૦ લાખનો જોબ નંબર ફાળવવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજો તૈયાર કરી, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ઇજારદારને વર્ક ઓર્ડર આપી માર્ગ નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

બીજી કામગીરીમાં, ૨.૪૫ કિલોમીટર લંબાઈ ધરાવતા 'કૃષ્ણનગર ટુ ઓ.ડી.આર. રોડ' પર વાહનચાલકોની સુવિધા અર્થે રૂ. ૧૨૦.૦૦ લાખના ખર્ચે રિસરફેસિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ માર્ગ માટે પણ નિયમાનુસાર ટેન્ડરિંગ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી રિસરફેસિંગ અને નવીનીકરણની કામગીરી આખરી તબક્કે પૂર્ણ કરી દેવામાં આવી છે.

કાલાવડ તાલુકામાં કુલ ૧૦.૪૫ કિલોમીટર લંબાઈના આ બંને ગ્રામ્ય માર્ગોનું કામ પૂર્ણ થતાં સ્થાનિક વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. ખેતપેદાશોના પરિવહનથી લઈને દૈનિક આવન-જાવનમાં માર્ગ વ્યવહાર વધુ સુગમ, સગવડભર્યો અને સુરક્ષિત બન્યો છે, જે ગ્રામીણ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application