રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનાં આશરે ૩૫૦ જેટલાં વાહનોનું રિપેરિંગ અને મેઇન્ટેનન્સ સેન્ટ્રલ વર્કશોપ શાખા દ્વારા કરવામાં આવે છે. આ વાહનોના ઈંધણ વપરાશ તેમજ જાળવણી પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાની વિગતો સામે આવી છે.
જનરલ બોર્ડ મિટિંગમાં એક કોર્પોરેટરે મનપા પાસે કેટલાં વાહનો છે, ડીઝલ અને પેટ્રોલનો માસિક તથા વાર્ષિક વપરાશ કેટલો થાય છે તેમજ વાહનોના મેઇન્ટેનન્સ પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના પ્રત્યુતરમાં મનપાએ આપેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વાહનોમાં માસિક સરેરાશ ૮૧,૩૪૩ લિટર ડીઝલનો વપરાશ થયો હતો, જ્યારે વાર્ષિક ડીઝલ વપરાશ ૮,૯૬,૭૧૭ લિટર નોંધાયો હતો. પેટ્રોલનો માસિક સરેરાશ વપરાશ ૨૦૧૧ લિટર રહ્યો હતો.
મનપાનાં વાહનોના મેઇન્ટેનન્સ પાછળ વાર્ષિક રૂ.૧,૫૨,૧૬,૦૨૭નો ખર્ચ થયો હતો. આ ઉપરાંત વાહનોના સ્પેરપાર્ટ્સ પાછળ માસિક રૂ. વાર્ષિક રૂ. ૧,૨૬,૦૦૦નો ખર્ચ થયાનું સત્તાવાર જવાબમાં જણાવાયું છે. આમ, રાજકોટ મહાનગરપાલિકાનાં વાહનોના ઈંધણ, રિપેરિંગ અને જાળવણી પાછળ દર વર્ષે મોટી રકમ ખર્ચાઈ રહી હોવાનું બહાર આવ્યું છે.
વાહનોની ખરીદી, ઇંધણ, વપરાશ, મેન્ટેનન્સ ખર્ચ વિગેરેની ક્યારેય ઊંડાણપૂર્વક ચકાસણી થતી ન હોય પ્રતિ વર્ષ ખર્ચ વધતો રહ્યો છે. આવશ્યક સેવાઓને બાદ કરીને ગણતરી થાય તો આટલો તોતિંગ ખર્ચ તો કોઇને પરવડી ન શકે. વાર્ષિક ૨.૭૮ કરોડનો ખર્ચ થતો હોય તો આટલા ખર્ચમાં મહાપાલિકા પોતાની માલિકીનું સર્વિસ સ્ટેશન બનાવી શકે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.