ગણેશ મહોત્સવના અંતિમ તબક્કે આવતીકાલે શહેરમાં ગણેશ વિસર્જનને લઇ પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વિસર્જન દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને કોઈ અગવડ કે અસુરક્ષાનો અનુભવ ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા છ નિયત સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્રણ ડીસીપી સહિત પોલીસ, ટીઆરબી અને જીઆરડીના કુલ ૧૩૮૩ જવાનો ફરજ પર તૈનાત રહેશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. બંદોબસ્તમાં ૩ ડીસીપી, ૪ એસીપી, ૧૮ પીઆઈ અને ૪૬ પીએસઆઈ સહિતનો સ્ટાફ તૈનાત રહેશે. વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને નિયત સ્થળોએ દેખરેખ રાખવામાં આવશે.
શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જનના ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં. આરએમસી દ્વારા નક્કી કરાયેલા સ્થળો સિવાય પીવાના પાણી અથવા અન્ય ઉપયોગમાં લેવાતા ડેમ, તળાવ, નદી કે કૂવા સહિતના જળસ્ત્રોતમાં મૂર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ છે. મૂર્તિ પરથી હાર, ફૂલ, વસ્ત્રો અને અન્ય સુશોભનની સામગ્રી વિસર્જન પહેલાં દૂર કરવાની રહેશે.
વિસર્જન સ્થળોએ સિન્થેટિક લાઇનર ગોઠવવાની તથા વિસર્જન બાદ ૪૮ કલાકની અંદર મૂર્તિઓને બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની રહેશે. પાણીની સ્વચ્છતા જળવાય તે માટે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. વિસર્જન બાદ મૂર્તિઓને પાણીમાંથી બહાર કાઢી પરત લઇ જવા પર પ્રતિબંધ રહેશે.
વિસર્જન યાત્રા દરમિયાન રાહદારીઓ, વાહનો, મકાનો કે લોકો ઉપર રંગ-પાઉડર કે અન્ય પદાર્થો છાંટવા કે ફેંકવા નહીં. જાહેરનામા મુજબ જ લાઉડસ્પીકર, ડ્રમ અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. બીભત્સ ફિલ્મી ગીતો, ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો, ભાષણો કે સૂત્રોચ્ચાર તથા વાંધાજનક ડેકોરેશન ઉપર પણ પ્રતિબંધ રહેશે. સરઘસની મંજૂરી મેળવનાર વ્યક્તિઓ-સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ, હોમગાર્ડ-જીઆરડી, સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને નિયમ મુજબ છૂટછાટ રહેશે.
આકસ્મિક પરિસ્થિતિ કે મદદની જરૂરિયાત ઊભી થાય ત્યારે પોલીસ ઇમરજન્સી માટે ૧૧૨, મહિલા સહાય માટે ૧૮૧, નાર્કોટિક્સ ડ્રગ હેલ્પલાઇન માટે ૧૯૦૮ અને સાયબર ફ્રોડ માટે ૧૯૩૦ પર સંપર્ક કરી શકાશે. પોલીસ અને તંત્ર દ્વારા ગણેશ આયોજકો તથા ભક્તોને જાહેર કરાયેલા નિયમોનું પાલન કરી વિસર્જન પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
વિસર્જન માટે નક્કી કરાયેલા છ સ્થળો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિસર્જન માટે છ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આજી ડેમ ઓવરફ્લો નીચે ચેકડેમ પાસેની ખાણ, આજી ડેમ ઓવરફ્લો નીચે ચેકડેમ પાસેનું બીજું સ્થળ, આજી ડેમ ઓવરફ્લો ચેકડેમ, પાળ ગામે જખરાપીરની દરગાહ પાસે મવડી ગામથી આગળ, ન્યારાના પાટીયા પાસે જામનગર રોડ તરફ ખાણ તથા બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડનો સમાવેશ થાય છે.