રાજકોટ શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં તન્વી ગોલ્ડના મેનેજર લાલજીભાઇ સરધારા પર ફાયરિંગ કરી તેમની હત્યા નીપજાવી રૂ.૧.૫૩ કરોડના સોના- ચાંદીની લૂંટના સનસનીખેજ બનાવના પગલે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવનો ભેદ તાકીદે ઉકેલવા તપાસમાં લાગી હતી.
પોલીસે ૮૦૦ થી વધુ લોકોને વેરિફાય કરી લૂંટારૂનુ પગેરૂ મેળવ્યું હતું. બાદમાં ચોટીલા નજીકથી ત્રણ લૂંટારૂને ઝડપી લેવાયા હતાં. જયારે રાજસ્થાનના સીરોહી જિલ્લાના પેઢવાડા અને ઉદયપુર ગ્રામ્ય પોલીસની મદદથી અન્ય આરોપીઓને ઝડપી લીધા હતાં. જેમાં બે ઉદયપુરથી અને ત્રણ ભીંડવાડા પાસેથી ઝડપાયા હતાં. સનસનીખેજ લૂંટની ઘટનામાં પોલીસે માત્ર ૧૨ કલાકમાં ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી લઇ તમામ મુદામાલ કબજે કર્યો હતો. શહેર પોલીસની આ સચોટ અને ત્વરીત કામગીરી બદલ તન્વી ગોલ્ડ પેઢીના માલિકે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
અનુરાગ અને લોકેશે ફાયરિંગ કર્યું હતું
લૂંટની આ ઘટના અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, કારમાંથી બે લૂંટારૂ નીચે ઉતર્યા હતાં. લાલજીભાઇ પાસેથી સોના- ચાંદી ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાલજીભાઇએ પ્રતિકાર કરતા અનુરાગ અને લોકેશ નામના બે આરોપીઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા તેમાં લાલજીભાઇનુ મોત થયું હતું. જયારે લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં કેટલાક ગુનાને અંજામ આપવામાં સાથે રહ્યા હતાં. તો અમુક આરોપીએ ટીપ આપવા સહિતની મદદગારી કરી હોવાની વિગતો મળી રહી છે.