રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. 24-9 ના સહકાર મેઇન રોડ પર રહેતા વિમલ વાણીયા નામના યુવાનની પ્રેમલગ્નની અદાવત સબબ તેના સાળાએ છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરી હતી. જે ગુનામાં મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે કાનો ફરાર હોય જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુવાડવાથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈ તા. 24-9 ના સહકારનગર મેઇન રોડ પર જમનાનગર શેરી નંબર 4 માં રહેતા વિમલ ધમેન્દ્રભાઇ વાણીયા નામના યુવાનને આરસીબુકના આપવાના બહાને ભક્તિનગર સર્કલ પાસે બોલાવી તેના સાળા કમલેશ ઉર્ફે કાનાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જે અંગે મૃતકના માતા ભારતીબેન ધર્મેન્દ્રભાઇ વાણીયાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે જે તે સમયે રાકેશ જોગરાણા નામના આરોપીને ઝડપી લીધો હતો. પરંતુ મુખ્ય સૂત્રધાર કમલેશ ઉર્ફે કાનો પોલીસને હાથ લાગ્યો ન હતો.
દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી.બી. બસીયા દ્વારા આ ગંભીર બનાવવામાં આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.એન.પરમાર, એસ.એમ.રાણા, ડી.પી. ઝાલા અને વી.ડી.રાવલીયાની રાહબરીમાં ટીમો તપાસમાં લાગી હતી. પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સીસના આધારે તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન મળેલી હકીકતના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ પાસેથી હત્યા પ્રકરણના મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે કાનો લાખાભાઈ ધાંધળ(ઉ.વ. 25 રહે. શિવધારા સોસાયટી શેરી નંબર 2, ખોખડદળ પુલની બાજુમાં, કોઠારીયા રીંગરોડ)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ હત્યા પ્રકરણમાં હજુ એક આરોપી પોલીસને હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા શોધખોળ યથાવત રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી કમલેશ ઉર્ફે કાનાની બહેન શીતલે ભોગ બનનાર વિમલ વાણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતે અદાવત ચાલતી હતી. આ પ્રેમલગ્નનો ખાર રાખી કમલેશે બનેવીને ભક્તિનગર સર્કલ પાસે સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.