વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભાની ટિકિટ અપાવવાની લાલચ આપીને પોરબંદર એપીએમસીના ચેરમેન લખમણભાઈ ભીમાભાઈ ઓડેદરા પાસેથી રૂ.50 લાખ પડાવવાનો પ્રયાસ કયર્નિો કિસ્સો સામે આવ્યો છે. સિનિયર રાજકીય નેતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ખોટી ઓળખ આપીને નાણાંની માગણી કરનાર શખ્સ અમદાવાદનો ડીસમીસ પોલીસકર્મી આકાશ લલીતભાઈ પટેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગતો મુજબ, ગત 30 ઓક્ટોબરે લખમણભાઈ ઓડેદરા પોરબંદરના આદિત્યાણા ગામે સામાજિક પ્રસંગમાં ગયા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ સિનિયર નેતાના પીએ તરીકે આપી હતી અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી 2027ની ચૂંટણીમાં રાજકીય મદદ કરવાની લાલચ આપી હતી. આ માટે ગાંધીનગર આવે ત્યારે આકાશ પટેલને મળવાનું જણાવ્યું હતું.
બીજા દિવસે લખમણભાઈ ગાંધીનગર પહોંચ્યા ત્યારે અન્ય નંબર પરથી કોલ કરીને તેમને નવા ધારાસભ્ય નિવાસ પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં નંબર પ્લેટ વગરની કારમાં બેઠેલા આકાશ પટેલે પોતાની ઓળખ આપી હતી. તેણે સિનિયર નેતાના પીએના માણસ તરીકે વાત કરીને વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો તાત્કાલિક રૂ.50 લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. બદલામાં સિનિયર નેતાના પીએ સાથે મુલાકાત કરાવવાની ખાતરી આપી હતી.
લખમણભાઈએ ત્રણ-ચાર દિવસનો સમય માગ્યો હતો. જોકે, પોરબંદર પરત ગયા બાદ આકાશે વારંવાર ફોન કરીને રૂ.50 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને આંગડિયા મારફતે નાણાં મોકલવા દબાણ કર્યું હતું. આ ઉતાવળથી શંકા જતાં લખમણભાઈએ સિનિયર નેતાના પીએનો સંપર્ક કર્યો હતો. પીએએ આકાશ પટેલને ઓળખતા ન હોવાનું સ્પષ્ટ કરતાં સમગ્ર કૌભાંડનો પદર્ફિાશ થયો હતો.
વધુ તપાસમાં આકાશ પટેલ ડીસમીસ પોલીસકર્મી હોવાનું અને અગાઉ પણ નેતાઓ તથા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી નાણાં પડાવ્યા હોવાની વિગતો સામે આવી હતી. અગાઉ ઊંઝા એપીએમસીના ચેરમેનના પુત્રના પુત્રને છરી બતાવી રૂ.50 લાખ પડાવ્યાની ફરિયાદ પણ તેની સામે નોંધાઈ ચૂકી છે. આથી આકાશ સામે વધુ લોકો ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે.