જામનગર: સાત કિ.મી. ના અંતરે નિયમિત ઘાસ વિતરણ કરવા રાઘવજી પટેલની માંગ
જામનગર: સાત કિ.મી. ના અંતરે નિયમિત ઘાસ વિતરણ કરવા રાઘવજી પટેલની માંગ
November 23, 2026 01:41 PM
જામનગર: સાત કિ.મી. ના અંતરે નિયમિત ઘાસ વિતરણ કરવા રાઘવજી પટેલની માંગ
ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટર કચેરી ફરિયાદ સમિતિની બેઠકમાં કરી રજુઆત
જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પરિમલ પંડયાના અઘ્યક્ષસ્થાને યોજાયેલ ફરિયાદ સમિતિની બેઠકમાં જામનગર ૭૭ વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને ખેડુતો અને માલધારીઓને ઘાસચારાની મુશ્કેલી ન પડે તેવા શુભ હેતુસર ૭ કિ.મી.ના અંતરે નિયમિત ઘાસ વિતરણ કરવામાં આવે તે માટે જિલ્લા કલેકટરને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુઆતો કરી હતી.
ગત શનિવારે યોજાયેલ ફરિયાદ સમિતિની બેઠકમાં અન્ય પ્રશ્ર્નોની રાઘવજીભાઇ પટેલે રજુઆત કરી હતી જેમાં આમરા ગામે વિજય હનુમાનજી મંદિર પાછળ ખારીની કેનાલ સાફ કરવી, બાણુંગાર ખાતે ક્ષાર નિયંત્રણ વિભાગ હસ્તકનું તળાવ રીપેર કરવું તેમજ જીવાપર ગામે મારીયાપરાથી કેનાલ સુધીનું ૮૦૦ મીટરનો રસ્તો પુરાણ કરી વરસાદી પાણીનો નિકાલ કરવો તેમજ સલાયાથી જખૌ બંદર વાયા સચાણા નિયમિત બસ ચાલુ કરવા પણ રજુઆત કરી હતી.
અન્ય પ્રશ્ર્નમાં મોટી ભલસાણ ગામે દલિતવાસની બાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી ગામતળ વધારી અને ઘર વિહોણા લોકો માટે રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવા, હડમતિયા ખાતે પશુ દવાખાનું શરૂ કરવું, જામનગર તાલુકાના ધુળશીયા ગામે પીવાના પાણીની અછત છે.
તેમજ નર્મદાનું પાણી આવે છે પરંતુ પાણી વિતરણ કરવામાં ન આવતુ હોય તો ડેમમાં આવેલ કુવાથી મોટરરૂમ સુધી પાઇપલાઇન નાખવી, સરમત ગામે વાડી વિસ્તારમાં પાણીની અછત હોય, ટેન્કરો શરૂ કરવા, આમ જામનગર જિલ્લાના વિકાસ અને સમસ્યાને લગતા ૪૩ થી વધુ પ્રશ્ર્નો ધારાસભ્ય દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના પ્રશ્ર્નો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવેલ. અને બાકી રહેલા પ્રશ્ર્નો ટુંક સમયમાં નિકાલ કરવા લગત વિભાગના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવેલ હતી.