BREAKING NEWS

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ સહિતના નેતાઓ અંજલિબેન રૂપાણીને મળતા તર્ક વિતર્કો

  • November 24, 2025 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગમાં હાજરી આપવા આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ આજે સવારે હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઇ તેમના ધર્મ પત્ની અંજલિબેન રૂપાણી સાથે મિટિંગ યોજતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.


ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં આગળ ઋષભ રૂપાણીએ ચરણ સ્પર્શ કરી તેમને આવકાર્યા હતા, આ વેળાએ મેહુલ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન બી.એલ.સંતોષ સહિતના નેતાઓએ અંજલિબેન રૂપાણી અને ઋષભ રૂપાણી વિગેરે સાથે બંધ બારણે મિટિંગ યોજતા આ મિટિંગ ભાજપના વર્તુળોમાં પણ ભારે ચર્ચાસ્પદ બની હતી. આ મિટિંગ વેળાએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેને પણ બહાર બેસાડવામાં આવ્યા હતા તેમ જાણવા મળે છે.


આ મિટિંગ બાદ એવી વાત વહેતી થઇ હતી કે રૂપાણી પરિવારને ફરી પક્ષીય રાજકારણના મુખ્ય પ્રવાહમાં ભેળવીને એક્ટિવ કરવાનો આ એક પ્રયાસ છે.

અલબત્ત આ મુલાકાત અંગે અંજલિબેન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી, વિજય રૂપાણી સ્થાનિકથી લઇને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભાજપ સંગઠનનું જે કામ કરતા તેનાથી રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ સુપેરે વાકેફ હતા અને આજે તેમણે પરિવારને સાંત્વના આપવા સાથે સંસ્મરણો વાગોળ્યા હતા. શું પક્ષમાં એક્ટિવ થવા મામલે કોઇ ચર્ચા થઇ કે કેમ ? તેવા સવાલના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું હતું કે અમે ભાજપના કાર્યકર્તા છીએ, પક્ષ કહેશે તેમ કરશું.


જ્યારે ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ ગુજરાત ભાજપના મોભી અને સંઘના સ્વયં સેવક હતા આથી રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ તેમના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાતે ગયા હતા. શું અંજલિબેનને સહિત પરિવારને ફરી એક્ટિવ કરવાની વાત છે ? તેવા સવાલના પ્રત્યુતરમાં તેમણે કહ્યું હતું કે અંજલિબેન એક્ટિવ જ છે ! તેઓ પક્ષના પાયાના કાર્યકર્તા અને મહિલા મોરચાના અગ્રણી છે.


જો કે બંધ બારણે. થયેલી મિટિંગમાં જે કંઇ ચર્ચાયું હોય તે પરંતુ આ બાબત ભારે ચર્ચાસ્પદ તો જરૂરથી બની છે.

રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓની ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ એક પછી એક ઝોનની મુલાકાત જઇને શહેર અને જિલ્લાના નેતાઓને માર્ગદર્શિત કરી રહ્યા છે જે અંતર્ગત આજે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ.સંતોષ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના હોદ્દેદારોને સંગઠન લક્ષી બાબતો તેમજ હાલ સુધીમાં યોજાયેલા કાર્યક્રમો, આગામી કાર્યક્રમો અને મુખ્યત્વે એસ.આઇ.આર.સહિતના મુદ્દે ચર્ચા કરી હતી તેમ ભાજપના વર્તુળોમાંથી જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application