BREAKING NEWS

રાજકોટ વોર્ડ નં.૯માં ભાજપ ત્રણથી ચાર ચહેરા બદલશે, પુષ્કર પટેલને ત્રણ ટર્મ પૂર્ણ થતા પક્ષ ચૂંટણી લડાવશે કે કેમ..? ચર્ચા, જીતુ કાટોળીયાનું પતું કપાશે

  • March 25, 2026 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬૫,૧૬૩ મતદારો ધરાવતા રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપ આગામી ચૂંટણીમાં ત્રણથી ચાર ઉમેદવારો બદલાવે તેવી પ્રબળ શક્યતા છે. આ વોર્ડમાં ભાજપનો ઉમેદવાર પસંદગીનો ક્રાઇટેરિયા અને અનામતનું રોસ્ટર એવું અસરકર્તા નિવડશે કે ભાજપ ત્રણથી ચાર ચહેરા બદલાવશે તે નિશ્ચિત છે. ખાસ કરીને આ વોર્ડમાંથી જંગી બહુમતીથી જીતી અગાઉ ત્રણ ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા કમલેશભાઇ મિરાણીને પ્રદેશ ભાજપે હવે ભાવનગર પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હોય ચૂંટણી વેળાએ વોર્ડ નં.૯માં તેમની હાજરી રહેશે નહીં.


વોર્ડ નં.૯ના ભાજપના પુષ્કરભાઇ પટેલની ત્રણ ટર્મ પૂર્ણ થઇ ચૂકી છે આથી જો પક્ષ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂકેલાંને ફરી ટિકિટ નહીં આપવાનો ક્રાઈટેરિયા લાગુ કરે તો તેઓ ચૂંટણી નહીં લડી શકે. જો આવું બને તો પેનલ ઉપાડી શકે તેવા અન્ય અગ્રણીને ટિકિટ અપાશે. ગત વિધાનસભા ચૂંટણીથી પુષ્કરભાઇ પટેલનું નામ ધોરાજી-ઉપલેટા બેઠક માટે ચર્ચામાં હતું, કદાચ તેમને વિધાનસભાની આગામી ચૂંટણી માટે પક્ષ રિઝર્વ રાખે તેવું પણ બની શકે છે. ત્રણ ટર્મ લડેલાને ટિકિટ નહીં તેવો નિયમ ન આવે તો પુષ્કરભાઇ પટેલ યથાવત રહેશે.


અનામતના રોસ્ટરને કારણે વોર્ડ નં.૯ના ભાજપના જીતુભાઇ કાટોળીયા પણ હવે આ વોર્ડમાંથી લડી શકે તેવી સ્થિતિ નથી કારણ કે આ વોર્ડમાં બે પુરુષ બેઠકમાંથી એક બેઠક અનુસૂચિત જાતિ અનામત આવી છે તેમજ એક બેઠક પછાત વર્ગ મહિલા અનામત બેઠક આવી છે જેના કારણે તેમનું પતું કપાવાનું નિશ્ચિત છે.


વોર્ડ નં.૯માં ઓબીસી મહિલા અનામત લાગુ થતા ભાજપના બે સિટીંગ મહિલા કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય અને દક્ષાબેન વસાણીમાંથી કોઇ પણ એકને બદલાશે અથવા સંભવ છે કે બંનેને પણ બદલવામાં આવે ! જો સામાન્ય પુરુષની એક બેઠક ઉપરથી લોહાણા અથવા બ્રાહ્મણ પુરુષને ચૂંટણી લડાવવી હોય તો મહિલા કોર્પોરેટર બદલવા જ પડે. અનામત રોસ્ટર મુજબ વોર્ડ નં.૯માં પછાત વર્ગ મહિલા, સામાન્ય મહિલા, અનુસૂચિત જાતિ પુરુષ અને સામાન્ય પુરુષ તે મુજબ બેઠક ફાળવણી થઇ છે.


સોશ્યલ એન્જિનિયરિંગના રાજકીય સમીકરણ મુજબ આ વોર્ડમાં પછાત વર્ગ મહિલા, સામાન્ય મહિલા બેઠક ઉપર કડવા પાટીદાર મહિલા, અનુસૂચિત જાતિ પુરુષ અને સામાન્ય પુરુષ બેઠક ઉપર લોહાણા અથવા બ્રાહ્મણ પુરુષ ઉમેદવાર તેવી પેનલ બનશે. જો સામાન્ય મહિલા બેઠક ઉપર લોહાણા કે બ્રાહ્મણ મહિલા ઉમેદવારને ટિકિટ અપાય તો કડવા પાટીદાર પુરુષ ચૂંટણી લડશે અને જો કડવા પાટીદાર મહિલાને ટિકિટ અપાય તો લોહાણા કે બ્રાહ્મણને ભાજપની ટિકિટ મળશે તેવી ચર્ચા છે.


વોર્ડ નં.૯ ભાજપનો ગઢ હોય દરેક ચૂંટણીમાં આ વોર્ડમાં કોંગ્રેસને ઉમેદવારો શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને માંડ માંડ ઉમેદવારની પેનલ બને છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ આ વોર્ડમાં સક્ષમ ઉમેદવાર શોધી રહી છે પરંતુ આજ સુધીમાં ફ્ક્ત એક ઉમેદવાર મળ્યા છે, આપ એ ગઇકાલે જાહેર કરેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં વોર્ડ નં.૯ના એક ઉમેદવાર તરીકે લાલજીભાઇ ચૌહાણનું નામ જાહેર કર્યું છે.


વોર્ડના વિસ્તારો

સાધુ વાસવાણી માર્ગ

યુનિવર્સિટી રોડ

૧૫૦ ફૂટ રિંગ રોડ

રૈયા રોડ (પાર્ટ)

મુંજકા

અવધ રોડ​​​​​​​


જ્ઞાતિનું ગણિત

કડવા પાટીદાર- ૧૫,૦૦૦

લોહાણા- ૧૧,૦૦૦

બ્રાહ્મણ- ૧૦,૦૦૦

કડિયા સમાજ- ૭,૦૦૦

અન્ય ઓબીસી- ૭૦૦૦

એસસી અંદાજે- ૩૦૦૦


દાવેદારોના ચર્ચાતા નામ

વિક્રમભાઇ પૂજારા

જાગૃતિબેન ભાણવડીયા

મનિષાબેન માંકડીયા

જયસુખભાઇ કાથરોટીયા

આર્કિટેક્ટ વિમલભાઇ થોરિયા

વોર્ડ પ્રમુખ હિરેનભાઇ સાપરિયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application