મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર થી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૭૯, ૧૮૦ અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી દ્વારા ઇન્સ્ટાગ્રામ રીલના માધ્યમથી સંપર્ક કરી રૂ. ૨૫,૦૦૦ના બદલામાં રૂ. ૭૦,૦૦૦ની કિંમતની નકલી ચલણી નોટો અન્ય સહ-આરોપી સલીમ કાથટને સપ્લાય કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ડી. એ. જીવરાજાનીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને સોગંદનામું રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રઘુવીરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા એ સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે અવલોકન કર્યું કે ગુનાની ગંભીરતા અને દેશના અર્થતંત્ર પર થતી નકારાત્મક અસરોને ધ્યાને લેતા આરોપીને જામીન પર મુક્ત કરવા માટે આ યોગ્ય કેસ નથી. પરિણામે, કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.