આજે દેશવ્યાપી રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ છે. ત્યારે રાજકોટ સહિત ગુજરાતભરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ સજ્જડ બંધ પાળી હડતાળમાં જોડાયા છે. રાજકોટમાં નાના મવા પાસે પંજાબ બેંક ખાતે મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓ એકત્ર થયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટમાં આજે એક જ દિવસમાં રૂ.1500થી 1800 કરોડના વ્યવહારો ઠપ્પ થયાનું ગુજરાત બેંક વર્કસ યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવેએ જણાવ્યું હતું. આવતીકાલે મહિનાનો બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકની શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટને માંગણી ન સ્વીકારી, તો 26 ઓક્ટોબરે દેશભરની બેંકમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ થઈ જશે. બેંક હડતાળથી સામાન્ય જનતા અને વેપારીઓને નાણાકીય વ્યવહારોમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.ગુજરાત બેંક વર્કસ યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવેએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફાઈવ ડે વર્કિંગ અને જૂની પડતર માંગોને લઈને આજે એક દિવસની હડતાળ છે. રાજકોટની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો સજ્જડ બંધ છે. રાજકોટમાં 1500થી 1800 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે. રાજકોટમાં ત્રણથી સાડા ત્રણ હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. સરકારના નિયમ પ્રમાણે આવતીકાલે શનિવાર અને રવિવારે રજા છે એટલે આજથી ત્રણ દિવસ બેંકો બંધ રહેશે.રાજકોટ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના હજારો અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પ્લે કાર્ડ દર્શાવી અને જોરદાર સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંજાબ નેશનલ બેંક ઓફિસર્સ એસોસિએશનના સર્કલ પ્રેસિડેન્ટ તુષાર ગોયલે જણાવ્યું હતું કે, ફાઈલ-ડે વર્કિંગ અને પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ)નો વિરોધ છે. હાલમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં ગ્રાહકોની સરખામણીએ કર્મચારીઓની પૂરતી ભરતી થતી નથી, જેથી પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી પણ અમારી માંગ છે.ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિન ધોળકિયાએ જણાવ્યું હતું કે, નવોદય કર્મચારીઓની પેન્શન યોજના, જૂનું પેન્શન અપડેશન, ગ્રેચ્યુઈટી કાયદા હેઠળની મહત્તમ મર્યાદામાં વધારો અને પેન્શન પર સમાન ડીએ લાગુ કરવાની પડતર માંગણીઓ અંગે પણ યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે. જો કે ગ્રાહકોને પડતી અગવડ બદલ યુનિયન દ્વારા ખેદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.બેંકના અધિકારી પવન શર્માએ જણાવ્યું હતું કે, આ વિરોધ આજનો નથી, આ વિરોધ વર્ષોથી ચાલતો આવ્યો છે. આપણો દેશ આજ બ્રિક્સ સમિટ હોસ્ટ કરી રહ્યો છે. જેમાં ભાગ લેનારા તમામ દેશોમાં બેંકોમાં ફાઈવ-ડે વર્કિંગ સિસ્ટમ છે. પરંતુ આપણી સરકાર ફાઈવ-ડે વર્કિંગની જાહેરાત કરતી નથી તેના માટે આ હડતાળ છે. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારી 28, 29 અને 30 સપ્ટેમ્બરે ફરી હડતાળ કરીશું. આખા દેશમાં આજે 90 ટકા બેંકોની બ્રાંચો બંધ છે. નવ લાખ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.રાષ્ટ્રીયકૃત બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જામનગરના રણજીતનગર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા બહાર મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ એકઠા થયા હતા. હાથમાં બેનરો ધારણ કરી પોતાની પડતર માગણીઓ અંગે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application