અગાઉ જ્યારે કમ્પ્યુટર રિવોલ્યુશન અને IT રિવોલ્યુશન થયું, તે વખતે ભારત પાસે તક હતી કે આપણે એ યુગનું નેતૃત્વ કરીએ. આપણા યુવાનોએ ત્યારે એ તક ઝડપી અને એને પરિણામે આપણા યુવાનો આજે વૈશ્વિક મંચ પર અગ્રસરે છે. પરંતુ કમનસીબે એ વખતે જે લીડ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે લેવી જોઈતી હતી તે ના લેવાઈ, એટલે એ યુગનું નેતૃત્વ કરવાનો વારો આપણા દેશનો ન આવ્યો.હવે જ્યારે AI ના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ,ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ આખો દેશ- ભારત એ યુગનું નેતૃત્વ કરે, એ પ્રકારનું માર્ગદર્શન ગુજરાત સહિત તમામ રાજ્યોને આજે મળી રહ્યું છે તેમ, વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.
'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી’ 2026-2029 ના મુખ્યત્વે પ્રોત્સાહન અને ફાયદા અંગે ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે,
આ યુગ-પરિવર્તન કહી શકાય એવી પોલિસી બનાવવાનો શ્રેય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાય છે.આજનો દિવસ આપણે સૌ યાદ રાખશું. આજથી 10 વર્ષ પછી આ રાજ્યના જ નહીં પણ દેશના યુવાનો યાદ કરશે કેમ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એવી પોલિસી બનાવી હતી, જેને પરિણામે ગુજરાત આ AI યુગનું દેશનું 'પ્રાઈમ મુવર' બન્યું અને દુનિયાનું પણ AI માટેનું સેન્ટર બનવા જઈ રહ્યું છે.
AI માટે જરૂરી હોય તો તે ડેટા અને ડેટા સેન્ટરો છે, અને ડેટા સેન્ટરની ઈકોસિસ્ટમ બનાવવી ખૂબ જરૂરી છે. દુનિયાની અંદર આપણા ડેટા સેન્ટરોની જે ક્ષમતા છે તે અંગે વાત કરીએ તો અત્યારે વૈશ્વિક સ્તરે 122 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરો કાર્યરત છે.
મંત્રીએ વૈશ્વિક ડેટા સેન્ટરોની વિગતો આપતાં જણાવ્યું હતું કે,અમેરિકા 4,423 ડેટા સેન્ટરો ધરાવે છે, જેની ક્ષમતા 53 ગીગાવોટ છે. દુનિયાના ડેટા સેન્ટરોની ક્ષમતાના 44% સાથે યુ.એસ.એ. અત્યારે નેતૃત્વ કરે છે. યુ.કે.માં 555 ડેટા સેન્ટરો અને 2.5 ગીગાવોટની ક્ષમતા ધરાવે છે. ચીનમાં 369 ડેટા સેન્ટરો અને 31 ગીગાવોટની ક્ષમતા ધરાવે છે જે વૈશ્વિક ક્ષમતાના 26% એટલે ત્રીજો નંબરે છે. જ્યારે યુરોપ 11.9 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે.જાપાન અને દક્ષિણ કોરિયા મળીને કુલ 6.6 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે. જર્મની 523 ડેટા સેન્ટરો ધરાવે છે. અમેરિકા અને ચાઈના બંને ભેગા કરીએ તો 70 % ડેટા સેન્ટરો માત્ર આ બે દેશો પાસે છે. ડેટા સેન્ટરો એ આજના યુગના તેલના કૂવા (Oil Wells) છે ત્યારે ગુજરાત આ દિશામાં આગેકૂચ કરી રહ્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે,દુનિયામાં જે ટોટલ ડેટા સર્જન થાય છે તેમાંથી 20% ડેટા ભારત પાસે છે, પરંતુ માત્ર 2% થી 2.5% ડેટા જ આપણે સ્ટોર કરીએ છીએ. આ સ્થિતિ બદલવી ખૂબ જરૂરી છે. દુનિયાના ડેટા સેન્ટરોની ક્ષમતાના પ્રમાણમાં ભારતની ક્ષમતા અત્યારે માત્ર 2% છે. અમેરિકાની 53 ગીગાવોટ સામે ભારત પાસે માત્ર 1.5 ગીગાવોટ ની કેપેસિટી છે, જેમાં ગુજરાત પણ પાછળ છે.
હમણાં જ 6 મહિના પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટીની અંદર દેશનું પ્રથમ (નાનું પણ યોટા ટેકનોલોજી અને શારજાહ ગવર્નમેન્ટ સાથે મળીને) ડેટા સેન્ટર સ્થાપવાનું આયોજન કર્યું. આ નવી પોલિસી આવ્યા પછી આપણી ક્ષમતા વધારવાની વાત છે. તેમણે કહ્યું કે,આપણે અત્યારે ટાર્ગેટ રાખ્યો છે કે આપણે 7.5 ગીગાવોટ ક્ષમતા પ્રાપ્ત કરવી. ભારતની અત્યારની ક્ષમતા 1.5 ગીગાવોટ છે, તેની સામે ગુજરાતે એકલા 7.5 ગીગાવોટનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ પોલિસી હેઠળ આપણે પ્રોએક્ટિવલી ઈન્સેન્ટિવ આપવાના છીએ.તેની સામે આપણી પાસે 17 ગીગાવોટ માટેની EOI (એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ)17 પાર્ટીઓ તરફથી આવી ચૂકી છે જ્યારે પ્રોજેક્ટ 19 છે. રોકાણકારોની લાઈન લાગી છે કે અમારે ગુજરાતમાં ડેટા સેન્ટર બનાવવું છે,એટલા માટે આ ડેટા સેન્ટરો જ્યારે આવશે ત્યારે આપણી ક્ષમતા વધશે અને AI ના યુગમાં ટ્રેનનું 'પ્રાઈમ મુવર' અને એન્જિન બનવાનું કામ ગુજરાત કરશે.જે અધિકારીઓએ આ માટે દિવસ-રાત મહેનત કરી છે તેમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.સરકાર એટલી ઉદાર પોલિસી લાવી છે. જેને કારણે આવનારા દિવસોમાં આપણા હજારો યુવાનો માટે ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ હાઈ-ટેક જોબ્સનું સર્જન થશે અને ગુજરાતને આ નવા યુગનું નેતૃત્વ કરવાની તક મળશે.
મંત્રીએ ગર્વ સાથે કહ્યું હતું કે, આપણું ધોલેરા એ ગુજરાતનું નહીં પણ દેશનું મોટું સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. અંદાજે 900 ચોરસ કિલોમીટરનો વિસ્તાર, હું ત્યાંના લોકોને અભિનંદન આપું છું, ત્યાંના આગેવાનોને અભિનંદન આપું છું, કે એમને પણ ભવિષ્યમાં શું થવાનું છે તેની સૂઝ એમની પાસે હતી. એટલા માટે ઉદારતાથી, જે સામાન્ય રીતે નવી જમીન સંપાદન કે કોઈ પણ ડેવલપમેન્ટનું કામ હાથમાં લો, તો એની સામે આંદોલન કરવાનું, જમીન નહીં આપવાની, પૈસા આપો તોય નહીં આપવાની અને વધુ માંગવાની, વચ્ચે વચેટીયાઓને ઊભા કરવાના... એમાં પડ્યા વગર એ લોકો આગળ આવ્યા અને આ ધોલેરા સ્માર્ટ સિટી ડેવલપ કરવાની અંદર ખૂબ મદદ કરી. તેમણે કહ્યું કે,વર્ષ 2000ની સાલમાં ત્યાં જમીનનો ભાવ શું હતો ? માત્ર 1500 રૂપિયા એકરનો ભાવ હતો ! આજે કલ્પના પણ ના કરી શકાય. આ 900 ચોરસ કિલોમીટર એરિયાનો વિસ્તાર, આ ધોલેરા છે તે હાઈટેક ઈન્ડસ્ટ્રીનું હબ બનવા જઈ રહ્યું છે. દુનિયાની અંદર જેમ ચીનની અંદર કે તાઈવાનની અંદર હાઈટેક સિટીઝ છે, એ સિટીઝ કરતાં પણ મોટું, દિલ્હી કરતાં પણ 3 ગણું મોટું આ ધોલેરા બનવા જઈ રહ્યું છે.
આજે બધી જ ઈકોસિસ્ટમ ત્યાં આવી રહી છે.
મંત્રીએ કહ્યું કે, આ સ્વપ્ન જોવાનો શ્રેય પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે એને સાકાર કરવાનો પણ એમનો આદેશ હતો અને અમે બધા તેને સાકાર કરવા સહભાગી થયા છીએ.ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી આ ઈકોસિસ્ટમ વિકસાવવામાં અમને બધી જ મદદ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે,ધોલેરાની અંદર અત્યારે બધી હાઈટેક ઈન્ડસ્ટ્રીઓ આવી રહી છે. ધોલેરામાં જે રોકાણકારો ડેટા સેન્ટર સ્થાપશે, એને બીજા બધા તો લાભ મળશે જ, પણ એની સાથે સાથે 2.5 % વધારાની કેપિટલ સબસિડી પણ ધોલેરાના વિસ્તારને મળવાની છે.
દુનિયાના ડેટા સેન્ટરો કરતાં આપણા ડેટા સેન્ટરો અલગ છે. એ વાત સાચી છે કે વીજળીનો વપરાશ મોટા પાયે થાય છે. પણ ગુજરાત એમાં પણ બહુ સદભાગી છે કે આપણે વીજળીમાં સરપ્લસ છીએ અને એમાંય ગ્રીન એનર્જીનો સૌથી વધારે વપરાશ થતો હોય, તો બે રાજ્યો મોખરે છે: એક રાજસ્થાન અને બીજું આપણું ગુજરાત. બંને પાસે... કુદરતે આપણને ખૂબ સારી રીતે જમીનની કમી નથી આપી, પુષ્કળ સૂર્યનો તાપ આપ્યો છે, પવન આપ્યો છે,એટલે જે ગ્રીન એનર્જીનું ઉત્પાદન છે, તેમાં અત્યારે ગુજરાત દેશમાં નંબર વન છે.
તેમણે કહ્યું કે, આની અંદર જે વીજળીનો વપરાશ થાય છે, તે વપરાશ ફોસિલ ફ્યુઅલ આધારિત વીજળીનો થાય છે અને એના કારણે લોડ પડે છે.તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે.
ગુજરાતમાં જે આ પોલિસી બની છે, એમાં 51 ટકા વીજળી ગ્રીન એનર્જીની વાપરવાની આપણે સગવડ આપી છે.જ્યાં સુધી પાણીનો સવાલ છે,તો જે પાણી વપરાવાનું છે, તેના માટે ડિસેલિનેશન પ્લાન્ટ નાખવામાં આવશે. અને એ પ્લાન્ટ મારફતે જે પાણી પેદા થાય, એમાંય ઇન્સેન્ટિવ (પ્રોત્સાહન) પાછું જે લોકોને આપીએ છીએ. એ પાણી વપરાવાનું છે અને હવે નવી ટેકનોલોજી એવી આવી રહી છે કે પાણી કોઈ વેસ્ટ નહીં જાય, એ જ પાણી રિસાયકલ થવાનું છે,એટલે કોઈ પાણી ઉપર કે આપણી વીજળી ઉપર કોઈ લોડ ન આવે, એવી આ ભારતની એકમાત્ર એવી પોલિસી છે કે જે વાપરનારાઓ માટે પણ ફ્રેન્ડલી છે, ઉત્પાદકો માટે પણ ફ્રેન્ડલી છે અને પર્યાવરણ માટે પણ ફ્રેન્ડલી છે.
મંત્રીએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું કે,આપણે માનીએ છીએ કે ડેટા સેન્ટરની ક્ષમતા ૫૦-૧૦૦ મેગાવોટથી શરૂ કરીને 2 ગિગાવોટ સુધીની હોય છે, જે મોટાભાગે આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે હોય છે. પરંતુ આપણે જે ન્યૂનતમ ક્ષમતા રાખી છે તે 150 મેગાવાટ (એટલે કે 0.15 ગિગાવાટ) ની છે.આપણી પાસે હાલમાં 17 ગિગાવાટ માટેની અરજીઓ આવેલી છે. પ્રાથમિક તબક્કે આપણી ઇચ્છા એવી છે કે તેમાંથી 7.5 ગિગાવાટને ટૂંક સમયમાં જ 'વન-સ્ટ્રોક' (એક સાથે) મંજૂરી આપી દેવામાં આવે, ત્યારબાદ આપણી જરૂરિયાત અને ક્ષમતા મુજબ આગળના તબક્કામાં નિર્ણય લેવાશે.જે અરજીઓ આવી છે તે ધોલેરા માટે પણ છે અને અન્ય સેન્ટરો માટે પણ છે. પરંતુ તેના માટે બીજી એક મહત્વની જરૂરિયાત એ છે કે,સામાન્ય રીતે આપણી માન્યતા એવી હોય છે કે બધું વાયરલેસ ચાલે છે, પણ વાસ્તવમાં મોટાભાગનું કમ્યુનિકેશન વાયર મારફતે થાય છે. આ આખું નેટવર્ક દુનિયાના સમુદ્રોમાં પથરાયેલું છે, તેથી સબમરીન કેબલ સાથે જોડાવું જરૂરી છે. જ્યાં સબમરીન કેબલ આવશે ત્યાં કેબલ લેન્ડિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ માટે અલગ નીતિ પણ તૈયાર કરાઈ છે.
તેમણે કહ્યું કે, ટેકનિકલ દ્રષ્ટિએ ગિફ્ટ સિટી (GIFT City)માં ડેટા સેન્ટર લાવવા માટે દીવ અથવા ચોરવાડ ખાતે કેબલ લેન્ડિંગ સ્ટેશન આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પોરબંદર, સુરત અને ધોલેરા જેવી જગ્યાઓએ પણ આ સ્ટેશનો આવશે અને તેની આસપાસ આ ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ ઊભી થશે. રિવર્સ માઇગ્રેશન અને રોજગારી આ ક્ષેત્ર ખાસ કરીને ગુજરાતના શિક્ષિત યુવાનોના ભવિષ્યને આગળ લઈ જશે. દુનિયાભરમાં સ્થાયી થયેલા ભારતીય નિષ્ણાતો હવે પાછા આવશે.
તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયેલા 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સમાં CEO થી લઈને ટોપ એક્ઝિક્યુટિવ્સ સુધીના મોટાભાગના લોકો વિદેશથી ભારત પાછા ફર્યા છે. આમ, 'રિવર્સ માઇગ્રેશન' (સ્વદેશ વાપસી) થશે અને આ ક્રાંતિ નવી પેઢી માટે નવી તકો સર્જશે. ગુજરાતમાં આ ક્ષેત્રમાં રોકાણ માટે જે અરજીઓ આવેલી છે, તે અરજીઓની ટોટલ ક્ષમતા મેં બતાવી દીધી છે. લગભગ 17 ગીગાવોટની આસપાસની છે. અને જો બધું મૂડીરોકાણ થાય, તો રૂ.17 લાખ કરોડ કરતાં વધારે થાય છે. એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 24 કલાક દુકાન-હોટલ ચલાવો, પોલીસ પણ બંધ નહીં કરાવી શકે; ગુમાસ્તા ધારામાં સુધારો
September 11, 2026 03:20 PMઆપણે ચૂંટણીઓથી આગળ વધવું પડશે: અભિજીત દિપકેએ નવો પ્લાન જણાવ્યો, ભારત પરત ફરવાનું કારણ પણ આવ્યું સામે
September 11, 2026 02:47 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
