ગુજરાતમાં હવે દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગેરેજ, શોરૂમ સહિતના વિવિધ વ્યાવસાયિક એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે. આ માટે સરકાર દ્વારા ગુમાસ્તા ધારા સંબંધિત કાયદામાં વધુ એક મહત્વપૂર્ણ સુધારો વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ કરવામાં આવ્યો છે. નવી જોગવાઈ અમલમાં આવ્યા બાદ પોલીસ કે સ્થાનિક સત્તાધિકારી માત્ર સમયમર્યાદાના આધારે આવા એકમોને બંધ કરાવી શકશે નહીં. જોકે સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
હાલની જોગવાઈ મુજબ મહાનગરપાલિકા, હોસ્પિટલ, નેશનલ હાઇવે, રેલવે સ્ટેશન, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન જેવા વિસ્તારોને બાદ કરતાં અન્ય સ્થળોએ દુકાનોના વ્યવસાયિક સમય પર મર્યાદા હતી. નગરપાલિકા તથા રાજ્ય ધોરીમાર્ગના વિસ્તારોમાં રાત્રે 2થી સવારે 6 વાગ્યા સુધી અને અન્ય વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જોગવાઈ હતી. નવા સુધારા બાદ આ સમયમર્યાદા દૂર થશે. જોકે કર્મચારીઓની રજા, કામના કલાકો અને સલામતી સહિતના કાયદાકીય હકો યથાવત્ રહેશે.
ગુમાસ્તા કાયદામાં નોંધણી પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. હવે દુકાન કે વ્યાવસાયિક એકમની નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરી શકાશે. નોંધણી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આથી વેપારીઓને સરકારી કચેરીઓની પ્રક્રિયામાંથી મોટી રાહત મળવાની શક્યતા છે.
સાફ સોદામાં એ જ દિવસે જમીનનું નામ ચઢત થશે... સરકારે સુધારો કર્યો..
ગુજરાત જમીન મહેસૂલ કોડમાં સુધારા દ્વારા ચોક્કસ શરતો હેઠળ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મ્યુટેશન એન્ટ્રી એ જ દિવસે નોંધાવીને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવશે. હાલમાં હિત ધરાવતા લોકોને નોટિસ આપી વાંધા રજૂ કરવાની તક આપવાની પ્રક્રિયાને કારણે નામ ચઢતમા વિલંબ થતો હતો.