BREAKING NEWS

ફાઇનાન્સરે 1 કલાકમાં રૂપિયાની વ્યવસ્થા કરવા કહ્યું, ને રાજકોટના પરિવારે આપઘાત કર્યો, 22 લાખ આપ્યા છતાં છેલ્લા 97 હજાર માટે યુવાનને ઓફિસમાં ગોંધી રાખ્યો'તો

  • September 11, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્ક- ૧ માં રહેતા પીડબલ્યુડીની નિવૃત કર્મચારી દિલીપભાઇ નટવરલાલ ખખ્ખર અને તેમના પત્ની સ્મિતાબેન તથા પુત્ર નિશિતના સામૂહિક આપઘાત પ્રકરણમાં સંદીપ લલીતભાઇ લખતરીયા નામના ફાઇનાન્સર સામે અંતે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો છે.

બનાવ અંગે પ્રહલાદ પ્લોટમાં આશાપુરા મેઇન રોડ પર રહેતાં ભાવિનભાઇ રસિકભાઈ ખખ્ખર (ઉ.વ.૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદિપ લલિત લખતરીયા (રહે. રાજકોટ) નું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વેપા૨ કરે છે. દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (રહે. સાધુવાસવાણી રોડ) તેમના કૌટુંબિક કાકા થાય છે. તેઓ પત્ની સ્મિતાબેન તથા તેના પુત્ર સાથે રહેતા હતા.

ગઇ તા.૨૭/૦૭/૨૦૨૬ ના સાંજના તેમને જાણવા મળેલ કે, કૌટુંબિક કાકા દિલીપભાઈ તથા તેમના પત્નિ સ્મિતાબેન તથા તેમનો દિકરો નિશીતભાઈએ ઝેરી દવા પી લિધેલ છે અને સારવારમાં સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ છે. જે બાદ તે તુરંત સરકારી હોસ્પિટલ ખાતે ગયેલ ત્યારે ત્રણેય લોકો સારવારમાં હતા અને ત્યા આ દિલીપભાઇના સગા વ્હાલા પણ હાજર હતા. થોડીવારમા તબીબે જણાવેલ કે, ઝેરી દવા પીવાથી આ ત્રણેયના મોત થયેલ છે. ત્રણેય લોકોના મોબાઇલ ફોન ત્યાંના સ્ટાફ દ્વારા દિલીપભાઈના ભત્રીજા સાગરભાઇને આપ્યા હતા. જેમા નિશીતભાઇના મોબાઇલ ફોનમા રેકોર્ડીંગ્ સાંભળતા આશરે બપોરના સમયે આ નિશીત એસ્ટ્રોન ચોક ખાતે લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આવેલ સંદિપ લખતરીયાની ઓફિસ ખાતે હોય અને ત્યાંથી તેણે તેના પિતા દિલીપભાઈને ફોન કર્યો હતો.

બન્ને વચ્ચે વાતચીત થયેલ હોય, જેમા નિશીત તેના પિતાને જણાવેલ કે,હું હાલ સંદિપભાઈ લખતરીયાની ઓફિસે છું, સંદિપભાઈને બે સોનાની વિંટી આપવાની અને વધારાના રૂપીયા આપવાના છે. તમે સંદિપભાઈને સમજાવી વાત કરો કે મને અહિંથી જવા દે, જેથી દિલીપભાઇએ નિશીતને કહે છે કે, આ સંદિપભાઇને રૂપીયા કેવી રીતે અને કેટલા આપવાના તે બાબતે વાત કરતાં નિશીત કહે છે કે, અગાઉ ૨૨ લાખ આપ્યા ત્યારે સંદિપભાઇએ રાહ જોયેલ, પરંતુ હાલ એક લાખ રૂપીયા માટે રાહ જોતા નથી.

જેથી દિલીપભાઈ નિશીતને કહેલ કે, તું સંદિપભાઈ સાથે વાત કરાવ, હું રિક્વેસ્ટ કરૂ અને તને ત્યાંથી જવા દે, જે બાદ નિશીત તેના મોબાઇલમા સંદિપભાઇને વાત કરાવતા આ દિલીપભાઇ રિક્વેસ્ટ કરે છે અને સંદીપભાઇ માનતા નથી અને દિલિપભાઇ જણાવે છે કે, સંદિપભાઇ અગાઉ મેં મકાન તથા સોનુ વેચી અગાઉનુ તમારુ પુરૂ કર્યું હતુ ને? તમે તેને ઘરે આવવા દેશો તો કંઈક વ્યવસ્થા કરીએ, ત્યારે સંદિપભાઇ બોલે છે મે જેની પાસેથી રૂપીયા લીધા તેને આપવા પડે ને, નહિ તો ગોલ્ડ આપવુ પડે ને, ત્યારે દિલીપભાઇ સંદિપને રિક્વેસ્ટ કરે છે કે, પ્લીઝ એને જવા દો, તો સંદિપએ કહેલ કે, આજ સાંજ સુધી નહીં ચાલે, ત્યારે આ દિલીપભાઈ બોલે છે કે, આ નિશીત પાસે પૈસાનો કોઇ સ્કોપ જ નથી. જે બાદ નિશિત તેના પિતા ને કહે છે કે, ફાઇનલ રૂ.૯૭ હજાર દેવાના છે.

જે બાદ નિશીત સંદિપને કહે છે કે, મને કાલ સુધીનો સમય આપો અને હું તમને પ્રોમીશરી નોટ કરી આપીશ. છતાં સંદિપ માનતો ન હોય જેથી નિશીત કહે છે કે, મને ખાલી કલાક કે દોઢ કલાકનો સમય આપો હું ગમે તે વ્યવસ્થા કરૂ, જે બાદ નિશીત તેના પિતાને કહે છે કે સંદિપભાઇ માનતા નથી અને મને જવા દેતા નથી અને મને કહ્યું કે, તુ અહિં બેઠા બેઠા મોબાઇલમાથી ગમે તેમ રૂપીયાની વ્યવસ્થા કર, તો દિલીપભાઈએ નિશીતને કહે છે કે, તો તને ત્યાંથી નહી આવવા દે તો રાત્રે તને ઓફીસમા બંધ કરી દેશે ને ! તો નિશીતે કહેલ કે, આપણું સોનુ છોડાવી સંદિપભાઇએ રાખેલ છે અને વધારાના રૂપીયા પણ દેવાના છે.

જે બાદ નિશીતે સંદિપને કહેલ કે, મને ખાલી દોઢ કલાકનો સમય આપો, હું ઘરે જઇ મારા માતાને લઇ મામાના ઘરે જઈ પૈસાની વ્યવસ્થા કરી પરત આવી જઇશ, ત્યારે સંદિપ બોલે છે કે, દરેક વખતે તુ આમ કરે છે અને જા તુ કલાકમાં ગમે તે કર અને રૂપીયા લઈ આવજે સહિતની વાતો કોલ રેકોર્ડિંગમાં સાંભળી હતી.

જેથી ફરીયાદીના કૌટુંબિક કાકા દિલીપભાઇના દિકરા નિશીતને આ સંદિપ લખતરીયાએ તેની ઓફીસ ખાતે ગોંધી રાખી પૈસાની માંગણી કરી ગર્ભિત ધમકી આપી શારીરીક-માનસિક હેરાન પરેશાન કરી મરી જવા મજબુર કરતા જે બાદ મૃતક નિશીતને ઘરે જવા દિધેલ અને ઘરે જઇ નિશીત તથા તેના પિતા દિલીપભાઈ તથા માતા સ્મિતાબેનએ ત્રણેય લોકોએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.જે અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application