BREAKING NEWS

સરકારનું જક્કી વલણ: વરસાદની અસમાનતા છતાં ગુજરાતમાં હાલ દુષ્કાળ જાહેર નહીં થાય

  • September 11, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને પગલે વિધાનસભામાં નિયમ-૧૧૬ હેઠળ રજૂ થયેલી તાકીદની જાહેર અગત્યની બાબતના જવાબમાં મુખ્યમંત્રી (મહેસૂલ)એ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર વરસાદની અસમાનતા કે વરસાદમાં થયેલા ઘટાડાના આધારે રાજ્યમાં સીધો દુષ્કાળ જાહેર કરી શકાય નહીં. કેન્દ્ર સરકારના દુષ્કાળ

ના માપદંડના આધારે નિર્ણય લેવામાં આવશે.


સરકારના જણાવ્યા મુજબ તા. ૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મોસમનો સરેરાશ ૭૫.૪૩ ટકા એટલે કે ૬૮૫.૫૩ મી.મી. વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૦૩.૯૧ ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અત્યંત અસમાન રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર ૬.૪૧ ટકા, પોરબંદરમાં ૧૮.૧૨ ટકા, જામનગરમાં ૨૮.૮૮ ટકા અને કચ્છમાં ૨૯.૨૯ ટકા વરસાદ નોંધાયો છે.


બીજી તરફ તા. ૩૧ ઓગસ્ટ સુધી રાજ્યમાં ૮૫.૩૦ લાખ હેક્ટરના સામાન્ય વાવેતર વિસ્તાર સામે ૮૦.૩૯ લાખ હેક્ટર એટલે કે ૯૪.૨૪ ટકા વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. મગફળી, કઠોળ, સોયાબીન અને ડાંગર જેવા મુખ્ય પાકોના વાવેતરમાં સામાન્ય કરતાં સારો દેખાવ નોંધાયો છે.


સરકારે પાણીની સ્થિતિ અંગે જણાવ્યું કે સરદાર સરોવર ડેમમાં ૮૮.૯૦ ટકા અને અન્ય ૨૦૬ જળાશયોમાં ૬૬.૦૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા બેસીનમાંથી પીવાના પાણી માટે ૨.૦ મિલીયન એકર ફીટ પાણી અનામત રાખી સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે. સૌની અને સુજલામ-સુફલામ યોજનાઓ મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણી વિતરણ ચાલુ છે.


ખેડૂતોના ઊભા પાકને બચાવવા કૃષિ વીજ પુરવઠો ૮ કલાકથી વધારી ૧૦ કલાક કરાયો છે. ૨૧ જિલ્લાના ૧૩૨ તાલુકા-જૂથોમાં આ વ્યવસ્થા અમલમાં છે. ઉપરાંત રાજ્યમાં ૪૦૨.૫૪ લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધ હોવાનું સરકારે જણાવ્યું હતું.


દુષ્કાળના મૂલ્યાંકનમાં વરસાદ ઉપરાંત વાવેતર વિસ્તાર, માટીની ભેજ અને ભૂગર્ભજળ સ્તર જેવા સૂચકાંકો ધ્યાને લેવામાં આવશે. ખરીફ ઋતુના અંતે ૩૧ ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત ગામોમાં ૧૦ ટકા ગ્રાઉન્ડ ટ્રુથિંગ હાથ ધરાશે. ત્યારબાદ પાક નુકસાનીના વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે દુષ્કાળ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળ જેવી સ્થિતિને પહોંચી વળવા આગોતરુ આયોજન કર્યું હોવાનું નિવેદન મંત્રી ઋષિકેશ પટેલે કર્યું છે.


આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનાથી પોરબંદર, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વર્તમાન વરસાદની ઘટને કારણે રાહત મળી શકે છે અને આ વિસ્તારોમાં હળવા ઝાપટાં તેમજ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને તેના કારણે ઊભી થતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અગાઉથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નર્મદા ડેમમાં પીવાનું પાણી અનામત રાખીને ખેડૂતો માટે સિંચાઈ હેતુસર ૧૦ અને ૧૫ દિવસના તબક્કાવાર આયોજન મુજબ પાણી પૂરું પાડવામાં આવ્યું છે.


જામનગર, દ્વારકા અને કચ્છ સહિતના પાંચ જિલ્લાઓમાં વરસાદની ઘટને લઈને વિધાનસભા ગૃહમાં નિવેદન આપતા મુખ્યમંત્રી વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વૈજ્ઞાનિક અભિગમ સાથે કામ કરી રહી છે અને દુષ્કાળ જાહેર કરવા માટે વરસાદ, ભેજનું પ્રમાણ અને સર્વે એમ ત્રણ ટ્રિગરના આધારે સ્થિતિ નક્કી કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં સિંચાઈ, પીવાના પાણી અને વાવેતરની સ્થિતિનો અભ્યાસ કરીને વધારાની જરૂરી વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ પશુપાલકો માટે તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ કરાવીને ૫ પશુની મર્યાદામાં ૨ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સાથે જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટરોને પણ જરૂરી કામગીરી કરવાની વિશેષ સત્તા આપવામાં આવી છે.

સરકાર પરિસ્થિતિનું દૈનિક મોનિટરિંગ થઈ રહ્યું હોવાનું જણાવી, જનહિતમાં પરિસ્થિતિને અનુરૂપ જરૂરી નિર્ણય લેવા સરકાર કટિબદ્ધ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application