વર્ષ 2025માં અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના વિમાન અકસ્માતે મોહમ્મદ શેખવાલાની દુનિયા ઉજ્જડ કરી દીધી હતી. આ દુર્ઘટનામાં તેમણે પોતાની પત્ની સાદિકાબાનુ અને બે વર્ષની દીકરી ફાતિમાને ગુમાવી હતી. હવે બ્રિટનના ગૃહ મંત્રાલયે તેમને દેશ છોડવા માટે બુધવાર સુધીનો સમય આપ્યો છે, અને જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે તો તેમની ધરપકડ કરવાની ચેતવણી પણ આપી છે.
શું છે સમગ્ર મામલો?
મોહમ્મદ શેખવાલા માર્ચ 2022માં તેમની પત્નીના 'સ્ટુડન્ટ વિઝા' પર એક આશ્રિત (Dependent) તરીકે બ્રિટન ગયા હતા. તેમની પત્ની સાદિકાબાનુ લંડનની અલ્સ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને ભવિષ્યમાં ત્યાં જ સ્થાયી થવાની યોજના ધરાવતી હતી. જોકે, વિમાન દુર્ઘટનામાં પત્નીના અવસાનના સાત મહિના બાદ શેખવાલાના વિઝાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હતી.
માનવીય આધારે વિઝા વધારવાની અરજી ફગાવી
શેખવાલાએ માનવીય અને દયાના આધારે બ્રિટનમાં રહેવા માટે 'ફર્ધર લીવ ટુ રીમેઈન' (FLR) હેઠળ અરજી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે બ્રિટનમાં તેમના મિત્રો અને સમર્થકો તેમનું ધ્યાન રાખી રહ્યા છે અને ભારત પરત ફરતા જ તેમને પત્ની-પુત્રીની યાદો અને માનસિક આઘાત સહન કરવો પડશે. પરંતુ, બ્રિટિશ સરકારે આ અરજી ફગાવી દીધી છે.
બ્રિટિશ ગૃહ મંત્રાલયનો વિચિત્ર તર્ક
શેખવાલાના વકીલને મોકલેલા પત્રમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, શેખવાલાનો પરિવાર ભારતમાં રહે છે. તેઓ પોતાની માતૃભાષા બોલી શકે છે, તેથી તેમને ભારતમાં ફરી વસવાટ કરવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. આ કારણોસર તેમને તાત્કાલિક દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે.
ચોતરફ ટીકા અને વિરોધ
બ્રિટિશ સામાજિક ન્યાયના નેતાઓ અને પ્રવાસી અધિકાર સંગઠનોએ આ નિર્ણયની આકરી ટીકા કરી છે. 'માઈગ્રન્ટ રાઈટ્સ નેટવર્ક'ના સીઈઓ ફિઝા કુરેશીએ આ પગલાને 'ક્રૂર અને અનૈતિક' ગણાવ્યું છે. શેખવાલાના મિત્રોનું કહેવું છે કે જો તેમની પત્ની કે દીકરી જીવિત હોત તો તેમને બ્રિટનમાં રહેવાની પરવાનગી મળી હોત, પરંતુ કુદરતી હોનારતનો ભોગ બન્યા હોવા છતાં સરકાર સહાનુભૂતિ બતાવવાનો ઇનકાર કરી રહી છે.
એર ઈન્ડિયાએ આપી હતી નોકરીની ઓફર
રોજગારના ભાગરૂપે શેખવાલા ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. એર ઈન્ડિયાએ તેમને લંડનમાં તાજ ગ્રુપમાં નોકરીની ઓફર આપી હતી, પરંતુ વિઝા સ્ટેટસને કારણે તેઓ તે સ્વીકારી શક્યા નથી. હાલમાં શેખવાલા ગંભીર માનસિક આઘાતમાં છે અને તેમનું કહેવું છે કે તેઓ આ અન્યાયી નિર્ણયને સ્વીકારશે નહીં.
બ્રિટિશ સરકારના આ કડક વલણે વિદેશમાં રહેતા ભારતીયો અને માનવ અધિકાર માટે લડતા લોકોમાં એક નવી ચર્ચા જગાવી છે. શું કોઈ દુર્ઘટનાના પીડિત પ્રત્યે નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ કે નહીં, તે પ્રશ્ન અત્યારે કેન્દ્રસ્થાને છે.