જેતપુરમાં દારૂ ભરેલી કારને અટકાવવા જતા બુટલેગરે પોલીસમેન પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ઇજાગ્રસ્ત પોલીસમેનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ આ ગંભીર ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી તાકીદે બુટલેગર દિલીપ ઉર્ફે દિલાને ઝડપી લીધો હતો. જે અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં બુટલેગર દિલીપ, દારૂ મોકલનાર જૂનાગઢના કાનો રબારી અને રીસીવર જેતપુરની કુખ્યાત રેખા વેગડા સામે હત્યા પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિલીપ ઉર્ફે દિલો ભાણકુ શેખવા, દેશી દારૂ મોકલનાર કાનો રબારી (રહે.જુનાગઢ) અને રેખા ઉર્ફે ઢકુ (રહે.જેતપુર) ના નામ આપ્યા છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઇકાલ તેઓ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ સાંભડા, વાસુદેવસિંહ જાડેજા, હિતેશભાઈ વરૂ તથા કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોર, સંજયભાઈ પરમાર સાથે પેટ્રોલીંગમાં હતાં દરમિયાન નવાગઢ, ઇમ્પીરીયલ એપાર્ટમેન્ટની બાજુમાં આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે, જેતપુર ભાદર સામાકાંઠામાં રહેતો દિલીપ ઉર્ફે દિલો શેખવા સફેદ કલરની સ્વીફ્ટ કાર નં. જીજે-03-પીએ-1117 માં દેશી દારૂ ભરી જૂનાગઢથી નવાગઢ બાજુ આવનાર છે.
જેથી પોલીસની ટીમે વોચ ગોઢવી હતી. દરમિયાન રાત્રીના ૧૧:૩૦ વાગ્યે બાતમીવાળી કાર આવતા તેને અટકાવતા કારમાં દિલીપ ઉર્ફે દિલો ભાણકુ શેખવા હોય જે કાર મુકી ભાગવા જતા તેનો પીછો કરી તેને ઉભો રહેવા બુમો પાડતા તે ઉભો ન રહેતા તેને દોડીને પકડી પાડતા તેણે પેન્ટના નેફામાંથી છરી કાઢી પોલીસ ટીમને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી છરીનો એક ઘા પેટના ભાગે મારવા જતાં હાથ આડો રાખતા છરીનો ઘા હાથ ઉપર મારી દેતા લોહી નિકળવા લાગેલ અને તેઓ નીચે પડી જતા દિલીપના હાથમાં રહેલ છરી ત્યાં પડી જતાં તેણે ઢીકાપાટુથી માર પણ માર્યો હતો.
જે બાદ આરોપી ભાગવા જતાં તે હાઇવે રોડની સાઈડના ડિવાઇડરની પાળી સાથે અથડાતા તે રોડ ઉપર પડી ગયેલ તે વખતે પોલીસની ટીમ દોડી આવતાં દિલીપ શેખવાને પકડી સ્વીફ્ટ કારમાં ચેક કરતાં તેમાં ડ્રાઇવર સીટ પાછળ તથા ડેકીમાં પ્લાસ્ટીકના બાચકાઓમાં કેફી પ્રવાહી દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ લીટર ૨૦૦ કિ.રૂ.૪૦ હજાર અને સ્વીફ્ટ કાર સહિત રૂ.૩.૪૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પર હુમલામાં ઉપયોગ થયેલ છરી પણ કબ્જે કરી હતી.
આ દેશી દારૂ બાબતે આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે, આ દેશી દારૂ પોતે જૂનાગઢના કાનો રબારી પાસેથી લઇ આવી જેતપુર ભાદર સામાકાંઠે રહેતી રેખા ઉર્ફે ઢફુ લલીત વેગડાને આપવાનો હતો. જે બાદ પોલીસ કર્મીને હાથમાં લોહી નિકળતુ હોય જેથી સારવારમાં ખસેડવમાં આવ્યાં હતા. તેમજ અન્ય આરોપીની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે.