ચૂંટણી પંચ દ્વારા વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ફરી લોકશાહીનો જંગ જામશે. ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત અનુસાર, આગામી છ જુલાઈના રોજ આ પેટાચૂંટણી માટેનું ગેઝેટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સાથે જ બેઠક પર ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ થઈ જશે અને સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા વિગતવાર કાર્યક્રમ મુજબ, ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ૬ જુલાઈથી શરૂ થઈને ૧૩ જુલાઈ ચાલશે, જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ ૧૪ જુલાઈએ ભરાયેલા તમામ ઉમેદવારીપત્રોની ઝીણવટભરી ચકાસણી (સ્ક્રુટિની) હાથ ધરવામાં આવશે. ચૂંટણી લડવા ન ઈચ્છતા ઉમેદવારો માટે ૧૬ જુલાઈ સુધીમાં પોતાના નામો પરત ખેંચવાની છેલ્લી તક રહેશે. ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ ચૂંટણી લડનારા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર થશે.
માંજલપુર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ વડોદરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સત્તાધારી ભાજપ, વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પ્રમુખ રાજકીય પક્ષોમાં આ બેઠક કબજે કરવા માટે અત્યારથી જ રણનીતિ ઘડાવા લાગી છે. પક્ષના મોવડી મંડળ દ્વારા દાવેદારોના નામોની પેનલ તૈયાર કરવા અને મજબૂત ઉમેદવારની પસંદગી માટે આંતરિક બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે. બીજી તરફ, વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મતદાન મથકોની તૈયારી અને સ્ટાફની ફાળવણી સહિતની વહીવટી તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.