રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સતત પ્રયાસોના પરિણામે "સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026"માં શહેરે રાષ્ટ્રીય સ્તરે 7મો ક્રમ મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગત વર્ષે 15મા ક્રમે રહેલા રાજકોટ શહેરે આ વર્ષે નોંધપાત્ર સુધારો કરીને દેશના શ્રેષ્ઠ ટોપ-10 શહેરોમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સ્તરે હાથ ધરાયેલા વોર્ડ સર્વેક્ષણમાં રાજકોટનો વોર્ડ નંબર 2 બીજા ક્રમે અને વોર્ડ નંબર 5 ત્રીજા ક્રમે રહ્યા છે. મનપા શાસકો અને અધિકારીઓ આ સફળતાની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ રસ્તા પર ઊડતી ધૂળ વચ્ચે શ્વાસ લેતા સામાન્ય નાગરિકો માટે આ આંકડાકીય સિદ્ધિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના 48 શહેરોમાં આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ અને પદાધિકારીઓએ આ સિદ્ધિની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વોર્ડ કક્ષાના સર્વેક્ષણમાં સફળતા બદલ વોર્ડ નંબર 2ને રૂ. 15 લાખ અને વોર્ડ નંબર 5ને રૂ. 10 લાખનું પુરસ્કાર મળ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ, હવાની ગુણવત્તા સુધારવા માટે શહેરમાં ક્લીન-ફ્યુઅલ પરિવહન પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે અને સીટી બસોનું ફ્લીટ 100% ડીઝલમુક્ત બનાવીને 125 ઇલેક્ટ્રિક અને 100 CNG બસો કાર્યરત કરવામાં આવી છે.
શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે CEEWના સહયોગથી 'રાજકોટ RECON' ડેશબોર્ડ શરૂ કરાયું છે, જે તમામ 18 વોર્ડમાં પ્રદૂષણના ચોક્કસ સ્ત્રોત ઓળખીને કામગીરી કરે છે. પર્યાવરણ સંરક્ષણ માટે 6 ઓટોમેટિક તથા મેન્યુઅલ સ્ટેશનો દ્વારા હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ થાય છે. આ સિવાય નાકરાવાડી ડમ્પસાઇટ ખાતે 35 એકરમાં મિયાવાકી વન તૈયાર કરાયું છે, 6.95 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે અને 7.5 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરાયો છે.
જોકે, મનપા ભલે કાગળ પર પ્રદૂષણમાં 37% ઘટાડો અને રાષ્ટ્રીય સ્તરે 7મો ક્રમ મળ્યાનો દાવો કરતી હોય, પરંતુ શહેરનું વાસ્તવિક ચિત્ર તદ્દન અલગ છે. રાજકોટના મુખ્ય માર્ગો પર આજે પણ બાંધકામ સામગ્રી ખુલ્લામાં વહન થવાના કારણે ધૂળની ડમરીઓ ઊડે છે અને અનેક વિસ્તારોમાં કચરાના યોગ્ય નિકાલના અભાવે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. માત્ર બે વોર્ડને ઇનામ આપી દેવાથી કે ડિજિટલ ડેશબોર્ડ બનાવી દેવાથી જમીની સ્થિતિ બદલાતી નથી. તંત્ર ભલે રેન્કિંગ સુધારવાના રાજીપામાં મહાલતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજકોટનો સામાન્ય નાગરિક આજે પણ પ્રદૂષિત અને ધૂળિયા વાતાવરણમાં શ્વાસ લેવા મજબૂર બન્યો છે.