BREAKING NEWS

રાજકોટમાં ઐતિહાસિક રૂ.144 કરોડની છેતરપિંડીઃ ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રા.લિ.ના ડાયરેક્ટરે કોલસાના ધંધામાં ઊંચા વળતની લાલચ આપી વેપારીઓ સાથે કરી કરોડોની ઠગાઈ

  • September 08, 2026 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોલસાના વેપારમાં સારું વળતર આપવાની લાલચ આપી રોકાણકારોની મિલકતો ગીરવે મૂકાવી બેંકોમાંથી કરોડોની લોન મેળવવા ઉપરાંત રોકાણના નામે મોટી રકમ એકત્ર કરી પરત નહીં આપ્યાના આક્ષેપ સાથે રાજકોટમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે. ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લિ. કંપનીના ડિરેક્ટરો જય હર્ષદકુમાર ચોટલીયા, મિતેષ કિરીટકુમાર સંઘવી અને મનીષ ગોવિંદભાઈ ડાંગી સામે નોંધાયેલી ફરિયાદમાં કુલ રૂ.૧,૪૪,૧૯,૨૬,૦૦૦ની રકમ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. 

ફરિયાદી જયેન્દ્રભાઈ મૂળજીભાઈ અકબરીના જણાવ્યા મુજબ આરોપીઓએ કોલસાના વ્યવસાયમાં રોકાણ કરવાથી સારો નફો અને પાંચ વર્ષ બાદ રકમ પરત આપવાની વાત કરી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતા. રોકાણ માટે માત્ર રોકડ કે ડિપોઝિટનો રસ્તો જ નહીં, પરંતુ રોકાણકારોની મિલકતો બેંકમાં મોર્ગેજ કરાવી કંપનીના નામે લોન તથા કેશ ક્રેડિટની સુવિધા મેળવવાની રીત પણ અપનાવવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. 


મિલકતો ગીરવે મૂકી લોન, શેર અને ડિપોઝિટ મારફતે નાણાં એકત્ર કર્યાનો આક્ષેપ

ફરિયાદ મુજબ રોકાણકારોને કંપનીના શેર ખરીદવા તેમજ કંપનીના બેંક ખાતામાં ડિપોઝિટ તરીકે રકમ જમા કરાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. બીજી તરફ રોકાણકારોની મિલકતોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને બેંકો પાસેથી કંપની માટે લોન મેળવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કેટલીક મિલકતો મોર્ગેજ કરાવી મોટી રકમની લોન લેવામાં આવી હતી અને રોકાણકારોને પાંચ વર્ષ બાદ મોર્ગેજમાંથી મુક્તિ તથા રકમ પરત મળવાની ખાતરી આપવામાં આવી હતી. 

ફરિયાદમાં વિવિધ મિલકતો, લોન અને રોકાણની વિગતો સાથે કરોડો રૂપિયાના વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદીનો આક્ષેપ છે કે કંપનીને કોલસાના વ્યવસાય માટે મળેલા નાણાંનો ઉપયોગ અન્ય સંલગ્ન કંપનીઓ તથા અલગ-અલગ બેંક ખાતાઓમાં કરવામાં આવ્યો હતો. બેંક ઓડિટ દરમિયાન પણ કંપનીના ખાતામાંથી અન્ય કંપનીઓ તરફ મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર થયાની બાબત સામે આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

ફરિયાદમાં કેટલાક નાણાકીય વ્યવહારોને લઈને ફંડની હેરફેર અને નાણાંને અન્ય કંપનીઓ તરફ વાળવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ફરિયાદીનો દાવો છે કે કંપની સાથે સંકળાયેલા કેટલાક લોકો અને કંપનીઓ વચ્ચે નાણાંની લેવડદેવડ કરવામાં આવી હતી, જેના કારણે રોકાણકારોની રકમ અંગે શંકા ઊભી થઈ છે. ​​​​​​​


લોન રિન્યુઅલના દસ્તાવેજોમાં બનાવટી સહીઓનો પણ આરોપ

ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે કંપનીની બેંક લોન અને કેશ ક્રેડિટનું રિન્યુઅલ કરાવતી વખતે કેટલાક રોકાણકારો અને સાહેદોની જાણ બહાર તેમના નામે જરૂરી દસ્તાવેજોમાં સહીઓ કરવામાં આવી હતી. એક અન્ય વ્યવહારમાં ભાગીદારી પેઢીના નામે બેંક ખાતું ખોલવા માટે પણ સંબંધિત વ્યક્તિની જાણ બહાર બનાવટી સહીનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ છે. 

ફરિયાદી દ્વારા કંપનીના નાણાકીય વ્યવહારો, બેંક લોન, મોર્ગેજ મિલકતો, શેર તથા ડિપોઝિટ સહિતના દસ્તાવેજો રજૂ કરી સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News