BREAKING NEWS

વીંછિયા પંથકમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર: ગાંજાના નાના-મોટા 39 લીલા છોડ મળ્યા, રાજકોટ રેન્જ ટીમે એકનો દબોચ્યો

  • November 19, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયા પંથક નશીલા પદાર્થોના વાવેતર માટેનું હબ બન્યું હોય તેમ ગઈકાલે રાજકોટ રૂરલ એસોજીની ટીમને અહીં છાસિયા ગામની સીમમાંથી 3.52 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપી લીધા બાદ વીંછિયા પોલીસે અહીં ખારચીયા ગામની સીમમાં ખેતરમાંથી સાત લાખથી વધુનું ગાંજાનું વાવેતર ઝડપી લીધું હતું. દરમિયાન હવે રાજકોટ રેન્જની ટીમે વીંછિયાના નાના માત્રા ગામની સીમમાં દરોડો પાડી ખેતરમાંથી રૂપિયા 7.70 લાખના ગાંજાના 39 છોડનો જથ્થો કબજે કર્યો છે. જે અંગે નાનામાત્રા ગામે રહેતા ખેડૂત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નશાકારક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખસો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ રેન્જ ના પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એસ.પી.ગોહિલ, એસ.વાય. ઉધાસ તથા ટીમ તપાસમાં હતી.


દરમિયાન પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા તેમની ટીમને મળેલી હકીકતના આધારે વીંછિયા તાલુકાના નાના માત્રા ગામની ઉગમણી સીમ કસવાણી ગામ તરફ જવાના સીમાડે આવેલ લખમણભાઇ ગરાંભડીયાના ખેતરમાં દરોડો પાડ્યો હતો અહીં ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું નજરે પડ્યું હતું. રાજકોટ રેન્જની ટીમે ખેતરમાંથી નાના મોટા ગાંજાના 39 છોડ જેનું વજન 15 કિલો 400 ગ્રામ હોય કિંમત રૂપિયા 7.70 લાખનો જથ્થો તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા 7.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


રાજકોટ રેન્જની ટીમના પીએસઆઇ બી.સી.મિયાત્રાની ફરિયાદ પરથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત લખમણ દાનાભાઈ ગરાંભડીયા(ઉ.વ. 53 રહે. નાના માત્રા તા. વીંછિયા) વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application