જામનગરમાં ચોથા દીવસે વીજચોરો પર તવાઇ, ૬૦ ટીમ ત્રાટકી
જામનગરમાં ચોથા દીવસે વીજચોરો પર તવાઇ, ૬૦ ટીમ ત્રાટકી
November 19, 2026 11:52 AM
જામનગરમાં ચોથા દીવસે વીજચોરો પર તવાઇ, ૬૦ ટીમ ત્રાટકી
ત્રણ દી માં પાવરચોરીના ૨૨૮થી વધુ કેસ, વીજઆકારણી જાહેર કરવામાં તંત્રની અવળચંડાઇ
શહેરના કાલાવડ નાકા બહાર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વીજચેકીંગથી દોડધામ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીજચોરી કરતા તત્વો સામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા દિવાળીના તહેવારો બાદ શરૂ કરવામાં આવેલી મેગા વીજચેકિંગ ઝુંબેશ સતત ચોથા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે. સોમવારથી શરૂ થયેલી આ ઝુંબેશના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન જ વીજચોરીના ૨૨૮ કેસ સામે આવ્યા છે. વીજતંત્ર દ્વારા આજે ગુરુવારે પણ જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
દિવાળીના તહેવારો દરમિયાન વિરામ બાદ સોમવારથી શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં વીજચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વીજચોરીના ૭૪ કેસ પકડાતાં જામનગરના વીજ પોલીસ મથકમાં ૭૪ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન વીજચોરીના ૭૮ કેસ સામે આવ્યા હતા. જ્યારે બુધવારે સતત ત્રીજા દિવસે વીજતંત્રની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરતાં વધુ ૭૬ વીજચોરીના ગુનાઓ નોંધાયા હતા. આમ, પ્રથમ ત્રણ દિવસમાં જ વીજચોરીના કુલ ૨૨૮ કેસ સામે આવ્યા છે. અગાઉની કાર્યવાહી દરમિયાન એક લાખ રૂપિયાથી વધુની વીજચોરીના ૪૬ અને પાંચ લાખ રૂપિયાથી વધુની વીજચોરીના પાંચ કેસ સામે આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
બીજી તરફ, આજે ગુરુવારે સતત ચોથા દિવસે પણ વીજતંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારો ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વીજચોરી પકડવા માટે ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે વીજચેકિંગ માટે ૬૦ ટીમો પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. દિવાળી બાદ શરૂ થયેલી આ મેગા ઝુંબેશમાં વીજતંત્ર દ્વારા એકસાથે જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. વીજચોરીના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ વીજચેકિંગની કાર્યવાહી ચાલુ રહેવાની હોવાથી વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.