ગુજરાત ભાજપમાં જ્ઞાતિગત પ્રતિનિધિત્વ અને સત્તામાં ભાગીદારીના મુદ્દે નિવેદનબાજી તેજ બની છે. કોળી સમાજને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ તેવા દ્વારકાના આઠ ટર્મના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન બાદ શરૂ થયેલી રાજકીય ચર્ચામાં હવે મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ જોડાયા છે. હીરા સોલંકીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમના ભાઈ પરસોત્તમ સોલંકીએ જે કહ્યું છે તે બરાબર છે અને કોળી સમાજને મોટું સ્થાન મળવું જ જોઈએ.
નોંધનીય છે કે, ગત સપ્તાહે દ્વારકામાં પબુભા માણેકે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં કોળી સમાજને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ તેવી માગણી કરી હતી. ત્યારે હીરા સોલંકીએ આ નિવેદનને પબુભાનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. જોકે, મંગળવારે પરસોત્તમ સોલંકીએ માણેકના નિવેદનને સમર્થન આપ્યા બાદ બીજા જ દિવસે હીરા સોલંકીએ પણ પોતાનું વલણ બદલ્યું હતું. તેમણે સમાજને મોટું સ્થાન મળવાની વાતને સમર્થન આપતાં મુખ્યમંત્રીની પસંદગી પક્ષનું મોવડીમંડળ કરતું હોવાનું પણ ઉમેર્યું હતું.
બીજી તરફ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ બુધવારે આ મુદ્દે મૌન તોડ્યું હતું. રાજકોટમાં તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિનું નિવેદન સમગ્ર સમાજનું નિવેદન ગણી શકાય નહીં. તમામ સમાજોને સાથે રાખીને પક્ષનું હાઈકમાન્ડ નિર્ણય લેશે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા બાવળિયાએ આ નિવેદન કરીને માણેક અને સોલંકીના નિવેદનોથી અંતર જાળવ્યું હતું.
આ તરફ ભાજપમાં જ્ઞાતિ અને સમાજના નામે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમો પણ ચર્ચામાં છે. કચ્છના રતનાલમાં પૂર્વ મંત્રી અને પાંચ ટર્મના ધારાસભ્ય વાસણ આહીરના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. કાર્યક્રમમાં પક્ષના નામ કે કમળના પ્રતીકનો ઉલ્લેખ ન હોવા છતાં સંગઠનના પદાધિકારીઓની હાજરીએ રાજકીય ચર્ચા જગાવી છે.
દરમિયાન, કોંગ્રેસનાં બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે પણ આ વિવાદમાં પ્રતિક્રિયા આપી હતી. કલોલમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, દરેક સમાજની પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી લાગણી હોઈ શકે છે, પરંતુ લોકશાહીમાં ધારાસભ્યોની બહુમતી અને પક્ષની વ્યવસ્થા સર્વોચ્ચ છે. મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહીં, પરંતુ સમગ્ર રાજ્યના હોય છે. આમ, કોળી સમાજને મુખ્યમંત્રી પદ અને સત્તામાં મોટું સ્થાન આપવાની માગણીને લઈને ભાજપના નેતાઓનાં અલગ-અલગ નિવેદનોથી પક્ષમાં જ્ઞાતિગત પ્રતિનિધિત્વનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.